મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુ બાદ સમગ્ર કેસ હવે બોલિવૂડ ડ્રગ્સ કેસમાં ફેરવાઈ ગયો છે. એનસીબી દ્વારા આ કેસમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ઘણા સેલેબ્સને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ દરમિયાન એનસીબી દ્વારા શનિવારે ધર્મા પ્રોડક્શનના ડાયરેક્ટર અને એક્ઝિક્યૂટિવ પ્રોડયુસર ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી. તેને રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો હતો.
એનસીબીએ કોર્ટને જણાવ્યું હતું કે, ક્ષિતિજ દ્વારા તપાસમાં સહાય કરવામાં આવતી નથી અને તે યોગ્ય જવાબ આપતો નથી તેથી તેને ૯ દિવસના રિમાન્ડ આપવામાં આવે. બીજી તરફ કોર્ટ દ્વારા ક્ષિતિજને છ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. તે ૩ ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં જ રહેશે. સૂત્રોના મતે ક્ષિતિજ દ્વારા શનિવારે જ પૂછપરછમાં બોલિવૂડના કેટલાક જાણીતા સેલેબ્સ અને ડ્રગ પેડલર્સના નામ એનસીબીને આપવામાં આવ્યા હતા.
આ કડીઓને જોડતાં જ નવાં નામ સામે આવે તે માટે એનસીબી આગામી તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે એનસીબી દ્વારા ક્ષિતિજને પૂછપરછ માટે બોલાવાયો હતો. તે વખતે તેના જવાબો સંતોષજનક ન લાગતાં તેને શનિવારે ફરીથી બોલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના ઘરેથી દરોડામાં રોકડ રકમ અને ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારબાદ એનસીબીએ તેની ધરપકડ કરીને આગળ તપાસ હાથ ધરી હતી.