ભારતમાં કોરોનાનો ૩૦મો કેસ નોંઘાયો, ગાઝિયાબાદની વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો…
પીએમ મોદીનો બેલ્જિયમ પ્રવાસ રદ્દ…
ન્યુ દિલ્હી : કોરોના વાઇરસના પ્રકોપને જોતાં અને દિલ્હીમાં પણ તેને પોઝીટીવ કેસો મળી આવતાં સાવચેતીના પગલાંરૂપે દિલ્હી સરકારે ૩૧ માર્ચ સુધી તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.
દિલ્હી સરકારના નાયબ સીએમ મનિષ સિસોદિયાએ ટ્વીટ કરીને જાહેર કર્યું કે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને આ પગલુ ભરવામાં આવ્યું છે. ડોક્ટરોએ અને સરકારે એક સ્થળે મોટી સંખ્યામાં એકત્ર નહીં થવાની સલાહ આપી હોવાથી પ્રાથમિક શાળાના બાળકોના હિતમાં સરકારે આ પગલુ ભર્યું છે. તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ હવે ૩૧ માર્ચ સુધીનું બિનસત્તાવાર વેકેશન ગાળશે.
ભારતમાં કોરોનાનો ૩૦મો કેસ નોંઘાયો છે. ગાઝિયાબાદની વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં આ વ્યક્તિ ઈરાનના પ્રવાસેથી આવી હતી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ (પાંચ ધોરણ સુધઈની)ને આવતીકાલથી ૩૧ માર્ચ સુધી બંધ રાખવામાં આવશે. બીજી તરફ વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારતની મેડિકલ ટીમ ઈરાન પહોંચી ગઈ છે. અહીં લેબ ખોલીને ઈરાનમાં ફસાયેલા ભારતીયોએ દેશ પરત લવાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બેલ્જિયમનો પ્રવાસ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. ૧૪-૧૫ માર્ચે પીએમ મોદી ભારત-યૂરોપિયન યૂનિયન બેઠકમાં ભાગ લેવા માટે જવાના હતા પરંતુ આ કાર્યક્રમને ટાળ્યા બાદ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.