લોકડાઉનમાં વધારો કરવાની અટકળો વચ્ચે સરકારનો મોટો ખુલાસો…
વડાપ્રધાન મોદીએ ૨૧ દિવસનું લોકડાઉનની જાહેર કર્યું છે, અગાઉ એવી અટકળો હતી લૉકડાઉન ૯૦ દિવસ સુધી ચાલશે પરંતુ કેબિનેટ સચિવે તમામ અટકળોનું ખંડન કર્યું…
ન્યુ દિલ્હી : અમેરિકા જેવા શકિતશાળી દેશને હંફાવનાર કોરોના મહામારી રોગચાળાથી ભારતને બચાવવા ચાલી રહેલા ૨૧ દિવસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના આજે છઠ્ઠા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રાહતરૂપ એવો ખુલાસો કરાયો છે કે ૧૪ એપ્રિલના રોજ લોકડાઉનની નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તેને લંબાવવાની હાલ કોઇ યોજના નથી, સરકારે એવો કોઇ નિર્ણય પણ કર્યો નથી. સરકારને આ બાબતની સ્પષ્ટતા એટલા માટે કરવી પડી છે કેમ કે સોશ્યલ મિડિયા સહિત કેટલાક માધ્યમોમાં એવી જાણકારી ફેલાવવામાં આવી રહી છે કે કોરોનાની ભયાનકતાને જોતા સરકાર લોકડાઉનમાં વધારો કરી શકે છે. એવા ઘણા રિપોર્ટ આવ્યા હતા કે સરકાર લોકડાઉનને ૯૦ દિવસ સુધી વધારી શકે છે. અને એવી જાણકારીને કારણે લોકોમાં બિનજરૂરી તનાવ ફેલાઇ શકે. તેથી સરકારને આ ખુલાસો કરવાની ફરજ પડી હતી.
કેન્દ્ર સરકાર વતી કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ આજે સ્પષ્ટતા કરી હતી કે સરકારની હાલના લોકડાઉન આગળ વધારવાની કે લંબાવવાની કોઇ યોજના નથી. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે હું લોકડાઉન વધારવાના રિપોર્ટ જોઇ ચોંકી રહ્યો છું. સરકારની આવી કોઇ યોજના નથી. હાલ ૧૪ એપ્રિલથી આગળ વધારવાની યોજના નથી આમ દેશભરમાં લોકડાઉન લાંબું ખેંચાવાની ચર્ચા અને અહેવાલ વચ્ચે મોદી સરકારે કરી મોટી સ્પષ્ટતા કરી હતી. એવી ચર્ચા હતી કે લોકડાઉન આગળ પણ વધી શકે છે. સરકારે આ અંગે સ્પષ્ટત કરી દીધી અને તેમની એવી કોઇ જ યોજના નથી.
સૂત્રોએ કહ્યું કે ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓની રોજેરોજ વધતી જતી સંખ્યાને જોતા એવા રિપોર્ટ આવી રહ્યા હતા કે સરકાર લોકડાઉન વધારવા પર વિચાર કરી શકે છે. જો કે સરકારના આજના ખુલાસા બાદ લોકડાઉન અંગેની સંકા-કૂશંકા પર પૂર્ણવિરામ મૂકાઇ ગયો છે. ભારતમાં કોરોનાના અત્યાર સુધી ૧૦૨૪ દર્દી સામે આવ્યા છે જ્યારે ૨૭ લોકોના આ જીવલેણ બીમારીથી મોત થયા છે.
નોંધનીય છે કે કોરોનાથી અન્ય દેશોની ભયાનક હાલત જોઇને અને ભારતમાં પણ આ મહામારી કોરોનાના વધતા કેસને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪ માર્ચના રાત્રના ૧૨ વાગ્યાથી દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. પીએમે લોકોને આ બીમારીથી બચવા માટે પોતાના ઘરની આગળ લક્ષ્મણ રેખા ખેંચવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટેંસિંગથી આ બીમારી રોકાશે. કેન્દ્ર સરકારે લોકડાઉનની સખ્તીથી લાગૂ કરવા માટે રાજ્યોને આદશ આપ્યો છે. તો લોકડાઉનથી લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ મોદીએ રવિવારે મન કી બાતમાં દેશના લોકોની માફી માંગી હતી અને લોકડાઉનના નિયમોનું પાલન કરવા ભાર મૂક્યો હતો.
લોકડાઉન વચ્ચે ગત દિવસોમાં દિલ્હી, મુંબઈ, સુરત સહિત અન્ય મોટા શહેરોમાંથી રોજ કમાઈને ગુજરાન ચલાવનારા કામદારો હજારોની સંખ્યમાં પગપાળા પોતાના રાજ્યો તરફ જઈ રહ્યા હતા. જેને રોકવા માટે કેન્દ્ર સરકારે કટોકટીના ફંડના નિયમોમાં ફેરફાર કર્યો હતો. ગૃહમંત્રાલયે રાજ્યને લખેલા પત્રમાં કહ્યું કે, તે મજૂરો માટે અસ્થાઈ શિબિર બનાવવા, ખાવા અને મેડિકલ સુવિધા માટે કટોકટી ફંડની રકમ ખર્ચ કરી શકે છે. સાથે જ કહ્યું કે, બોર્ડર પર મજૂરોની મુવમેન્ટને રોકવામાં આવે. આ લોકોને સરહદ પર જ ૧૪ દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવે. મજૂરોની હિઝરત અંગે ચર્ચા કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહના આવાસ પર મંત્રી સમૂહની બેઠક પણ થઈ હતી.
લોકડાઉન દરમિયાન લોકોની અવર જવર અંગે ગૃહ મંત્રાલયે કહ્યું કે, અમે લોકડાઉનને સખતાઈથી લાગું કરવા માટે ૨૪ કલાક દેખરેખ કરી રહ્યા છીએ. મંત્રાલયે તમામ રાજ્યોને આદેશ આપ્યા છે કે કોઈ પણ રાજ્યની બોર્ડર અથવા હાઈવે પર લોકોની અવર જવર ન થાય. જો આદેશમાં થોડી પણ ચૂક થશે તો તેના માટે જિલ્લાના ડીએમ-ડેપ્યુટી કમિશનર અને એસએસપી વ્યક્તિગત રીતે જવાબદાર ગણાશે.