વાયરસથી સંક્રમિતોનો આંકડો ૩૦ હજારની નજીક, કુલ મૃત્યુઆંક ૯૪૦
પ.બંગાળમાં કોરોનાથી બે ડોક્ટરોના મોત,૮૦ જિલ્લામાં ૭ દિવસથી અને ૪૭ જિલ્લામાં ૧૪ દિવસથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી…
મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૮,૫૯૦ પોઝિટિવ કેસ, ગુજરાત ૩,૫૪૮ કેસ સાથે બીજા ક્રમે,૬૮૬૮ લોકો ડિસ્ચાર્જ કરાયા…
ન્યુ દિલ્હી : આખી દુનિયામાં ભારે હાહાકાર મચાવનાર માનવથી માનવમાં ફેલાતા ચેપી રોગ કોરોના મહામારીનો ભારત પણ સામનો કરી રહ્યો છે. દેશમાં કોરોના પોઝીટીવના રોજના નવા કેસોમાં ઉમેરો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જણાવ્યુ કે કોરોનાથી દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૨ મોત અને ૧૫૪૩ નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં મોતના કેસમાં વધારો જોવા મળ્યો છે. અન્ય રીતે જોઇએ તો ભારતમાં દર એક કલાકે બે કરતાં વધુ મોત નોંધાયા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની કુલ સખ્યા વધીને ૨૯૬૬૪ થઈ ગઈ છે. જેમાં ૨૧૬૩૨ સક્રિય કેસ છે. આમાં ૬૮૬૮ લોકો રિકવર/ડિસ્ચાર્જ, ૯૪૦ મોત થયા છે. ભારત હાલમાં લોકડાઉન-૨ હેઠળ છે. જે ૩ મે પછી વધુ લંબાવવાની શક્યતા છે.
દરમ્યાનમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે મંગળવારે જણાવ્યું કે દેશના ૮૦ જિલ્લામાં ૭ દિવસથી અને ૪૭ જિલ્લામાં ૧૪ દિવસથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. સાથે જ ૩૯ જિલ્લામાં છેલ્લા ૨૧ દિવસોથી કોઈ કેસ નોંધાયો નથી. આ પ્રકારે ૧૭ જિલ્લામાં છેલ્લા ૨૮ દિવસોથી એક પણ પોઝિટિવ કેસ મળ્યો નથી. આજે મંગળવારે રાજસ્થાનમાં ૬૬, આંધ્રપ્રદેશમાં ૮૨ અને કર્ણાટકમાં કોરોનાના ૮ નવો કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૯,૬૬૩ થઈ ગઈ છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસે મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં ૨૯ હજાર ૪૩૫ સંક્રમિત છે. જેમાંથી ૨૧ હજાર ૬૩૨ની સારવાર ચાલી રહી છે, ૬૮૬૮ સાજા થયા છે અને ૯૩૪ મોત થયા છે.
દિલ્હીમાં આજથી લોકડાઉમાં છૂટ છાટ આપવામાં આવી છે. દિલ્હી સરકારે કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ પશુ પાલકો, પ્લમ્બર અને વીજ કર્મીઓ પર પ્રતિબંધ હટાવી દીધો છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશમાં હેલ્થવર્કર્સ, લેબ ટેક્નીશિયન અને વૈજ્ઞાનિકોને આંતર રાજ્ય મુસાફરી કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. જ્યારે, પશ્વિમ બંગાળમાં કોરોના વાઈરસને કારણે વધુ એક ડોક્ટરનું મોત થયું છે, અત્યાર સુધી બે ડોક્ટર કોરોનાનો ભોગ બની ચુક્યા છે. દિલ્હીના બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટર્સ સહિત ૬૦ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો છે. લખનઉમાં કોરોના વાઈરસના ૭ નવા દર્દી સામે આવ્યા છે, આ તમામને હોસ્પિટલમાં ભરતી કરાયા છે.
દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને મધ્યપ્રદેશથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૫૨૨ નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા ૮૫૯૦ થઈ ગઈ છે. રાજ્યમાં મોતનો કુલ આંકડો ૩૬૯ છે જ્યારે ૯૪ દર્દીઓની સોમવારે રજા આપ્યા બાદ ડિસ્ચાર્જ થનારાની સંખ્યા વધીને ૧૨૮૨ થઈ ગઈ છે. વળી, રાજ્યમાં કોરોના સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા ૬૯૩૯ છે.
રાજધાની દિલ્હીમાં ૨૯૩ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ દર્દીઓની સંખ્યા ૩૧૦૮ સુધી પહોંચી ગઈ છે. સારી વાત એ છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ૮ દર્દી રિકવર થઈ ચૂક્યા છે. એક પણ દર્દીનુ મોત નથી થયુ. કોરોના માટે દિલ્લીનો રિકવર રેકોર્ડ પણ સારુ છે. દિલ્લીન રિકવરી રેટ ૩૦ ટકા છે જ્યારે રાષ્ટ્રીય સ્તર પર આ ૨૨ ટકા છે. ગુજરાતમાં સોમવારે સાંજ સુધી ૨૪૭ પૉઝિટીવ કેસ આવ્યા, આ ઉપરાંત ૮૧ લોકો રિકવર થઈ ચૂક્યા છે અને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૩૫૪૮ પૉઝિટીવ કેસ મળ્યા છે. આમાંથી ૩૧ લોકો ગંભીર સ્થિતિમાં છે બાકીનના ૨૯૬૧ સ્થિર છે. કુલ ૫૩,૫૭૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત મધ્ય પ્રદેશ સરકારમાં કોરોના સંક્રમણના ૭૫ નવા કેસ નોંધાવ્યા બાદ કેસોની સંખ્યા વધીને ૨૧૬૮ થઈ ગઈ છે. મ. પ્ર.માં અત્યાર સુધી કોરોનાના સૌથી વધુ ૧૨૦૭ કેસ, ઈન્દોર, ૪૨૮ ભોપાલ, ૧૧૯ ઉજ્જૈન, ૬૯ જબલપુરમાં નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી ૧૧૦ લોકોના મોત થઈ ચૂક્યા છે.