અમદાવાદ : ગુજરાત સરકાર ચાર મોટા શહેરોમાં કોવિડ હોસ્પિટલ માટે સ્ટાફની ભરતી કરી રહી છે. જેમાં કોરોના વાઇરસની સારવાર માટે નર્સની ભરતી પણ કરવામાં આવી છે. ત્યારે ભરતીમાં નર્સને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવી છે. જેથી મહિને માત્ર ૧૩૦૦૦નો પગાર સૂચવવામાં આવ્યો છે. જે મોટા ભાગના નર્સને આ મજાક સમાન લાગે છે કે, એક રાષ્ટ્રરક્ષક તરીકે જીવના જોખમે દર્દીની સેવા કરવા માટે માત્ર ૧૩૦૦૦ની રકમ ઘણી ઓછી છે.
કોરોનાના કહેર વચ્ચે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડૉક્ટર અને નર્સની ભરતીમાં સેંકડો બેરોજગાર ઉમટી પડ્યા હતા. કોરોનાની મહામારીના કારણે વિશ્વ આખું ડોક્ટર અને નર્સની કામગીરીને વખાણી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નર્સને માત્ર ૧૦,૦૦૦ રૂપિયા અને ડોક્ટરને ૩૦,૦૦૦ રૂપિયા પગાર આપવાની જાહેરાત કરી છે. તે અત્યંત હાસ્યાસ્પદ લાગે છે.
હાલ કોવિડ હોસ્પિટલ બનાવવા માટે સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. અન્ય ખાનગી કંપનીઓની સરખામણીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં ઓછા પગારે ભરતી થતા ક્યાંક વિરોધનો અવાજ ઉઠી રહ્યો છે. બીજી તરફ વડોદરા શહેરમાં પણ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદની સરખામણીએ વધુ પગાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરામાં કોવિડ હોસ્પિટલમાં ભરતી માટે નર્સને ૧૩૦૦૦ રૂપિયા પગાર સૂચવવામાં આવ્યો છે. અન્ય સરકારી હોસ્પિટલો જેમાં કોન્ટ્રાક્ટર ઉપર નર્સની ભરતી કરવામાં આવે છે, તેમને પણ સરકાર દ્વારા ૨૦,૦૦૦ જેટલો પગાર આપવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે.