ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની મહામારી દિવાલીમાં બેકાબૂ બની બાદમાં હવે કોરોનાનાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો નોંધાય રહ્યો છે. આ દરમિયાન સૌ કોઈ વેક્સિનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જોકે વેક્સીન મામલે કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોરોના વેક્સિન માટે હવે રાહ જોવાની જરૂર નથી, થોડાં સપ્તાહમાં રસી તૈયાર થઈ જશે.
હવે કોરોનાની વેક્સીનને લઈને ડે.સીએમ નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. મહેસાણામાં કર્મચારીઓની નિયુક્તિને લઈ યોજાયેલા કાર્યક્રમમાં ડે.સીએમ નીતિન પટેલે જણાવ્યું કે, વેક્સીનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. ત્યાં જ અઠવાડિયામાં સર્વેની કામગીરી પૂર્ણ થશે. જોકે રાહતની વાત એ છે કે, ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઘટતી જાય છે. કોવિડ હોસ્પિટલમાં ૫૦% પથારી ખાલી છે.
તમને જણાવી દઇએ કે, ગુજરાત સરકારે પ્રથમ તબક્કામાં આરોગ્યક્ષેત્રના ૩.૯૬ લાખ કર્મચારીઓ, તબીબો અને બીજા તબક્કામાં સફાઈ કર્મચારીઓ. પોલીસ કર્મીઓ સહિત ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને વેક્સિનેશન એટલે કે કોરોના રસી આપવા માટે રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં, ૨૪૮ તાલુકાઓમાં તેમજ ૮ મહાનગર પાલિકાઓમાં ટાસ્કફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા વેક્સિન જરૂરી તાપમાનમાં સ્ટોર કરવા માટે ઝોનકક્ષાએ ૬ સ્ટોરેજ, જિલ્લા- કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર તેમજ અંતરિયાળ વિસ્તારો સુધી રસી પહોંચાડવા ૨૧૮૯ કોલ્ડ ચેઇન પોઇન્ટની વ્યવસ્થા કરાઈ છે. આ તમામ સ્ટોર ખાતે જરૂરી સાધનોનું ટેક્નિકલ ઑડિટ પણ પૂર્ણ કરાયું છે.