Charotar Sandesh
ગુજરાત

કોરોનાનું સંક્રમણ વધતાં ધો. ૧૦ -૧૨ની પરીક્ષા જૂન મહિનામાં લેવા માગ…

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જેના કારણે ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા મે મહિનાને બદલે જૂનમાં લેવાની માગ સાથે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. ઉપરાંત ધોરણ ૧થી૮ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવા તેમજ ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓની મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા ઓનલાઈન લઈને બાકીના વિષયો ગુણ પ્રથમ સત્રાંતના મૂલ્યાંકન પરથી આપી દેવાની રજૂઆત કરી છે. કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સંક્રમણ હજી વધશે તેવી ભીતિને પગલે બોર્ડની પરીક્ષા પાછળ ઠેલવા માગ કરવામાં આવી છે.
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને પરિસ્થિતિ વિકટ છે. મૃત્યુદર દિવસે ને દિવસે વધતો જાય છે. જેને જોતાં હાલમાં ૧૦ મેથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો તથા સ્કૂલનો સ્ટાફ સંક્રમિત થાય તેવી દહેશત છે.
બીજી લહેરમાં કોરોના બાળકોને શિકાર બનાવી રહ્યો છે. હાલ હોસ્પિટલમાં પિડીયાટ્રિક વોર્ડ ઊભો કરવાની ફરજ પડી રહી છે. જેથી વાલી મંડળની માગણી છે કે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા જૂન માસમાં લેવામાં આવે. ઉપરાંત વૈકલ્પિક વિષયોની પરીક્ષા પણ બાળક જે સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યાં જ જૂન માસમાં લેવામાં આવવી જોઈએ. દર વર્ષે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ દરેક વિદ્યાર્થીઓને રહેમ રાહે પાસ કરી દેવામાં અને કોઈ બાળકનું ભવિષ્ય ન બગડે તે માટે પણ વાલી મંડળે રજૂઆત કરી છે.
ઉપરાંત ધોરણ ૧થી૮ના વિદ્યાર્થીઓને પ્રથમ સત્રાંત પરીક્ષાના મૂલ્યાંકનને આધારે ગુણ આપીને પરિણામ જાહેર કરવામાં આવે અને બાળકોને ઉત્તીર્ણ કરીને આગળના ધોરણમાં લઈ જવામાં આવે, તેવી પણ રજૂઆત થઈ છે. ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષય- અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષા ઓનલાઈન લઈ લેવામાં આવે તેવી માગણી કરી છે. પ્રથમ સત્રાંતના મૂલ્યાંકનના આધારે અન્ય વિષયોમાં ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને પાસ કરી દેવાની ભલામણ પણ વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.

Related posts

CAAને સમર્થન આપતો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં પસાર…

Charotar Sandesh

કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ..?, આ કોંગ્રેસ નેતાનું નામ પ્રદેશ અધ્યક્ષ માટે રેસમાં સૌથી મોખરે…

Charotar Sandesh

તહેવારોમાં વધારાની બસો મુકી ગુજરાત એસટી વિભાગને ૬.૭૭ કરોડની આવક

Charotar Sandesh