અમદાવાદ, સુરત બાદ ભાવનગરમાં વધુ એક દર્દીનું મોત…
અમદાવાદમાં ૧૫, સુરત-ગાંધીનગરમાં ૭, વડોદરામાં ૮, રાજકોટમાં ૪ તેમજ કચ્છ-ભાવનગરમાં ૧-૧ કેસ, ૧૯૫૬૭ હોમ ક્વોરેન્ટાઈન અને ૧૨૪ પ્રાઈવેટ ક્વોરેન્ટાઈન…
ગાંધીનગર : કોરોના મહામારીના ભરડામાં ગુજરાતના ભાવનગરમાં ૭૦ વર્ષીય વૃદ્ધનું મોત થતા કુલ મૃત્યુઆંક ત્રણ થયો છે. અગાઉ અમદાવાદમાં એક ૮૫ વર્ષના મહિલાનું મોત થયું હતું અને તે અગાઉ સુરતમાં નાનપુરમાં પણ ૬૭ વર્ષના વૃદ્ધે દમ તોડ્યો હતો. ગુજરાતમાં કોરોનાથી ભાવનગરમાં ત્રીજું મોત થયું હોવાનું ખુલ્યું છે. ભાવનગરના ૭૦ વર્ષના વૃદ્ધ દિલ્હી જઈને આવ્યા હતા અને તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમનું મોત થઈ ગયું હતું.
રાજ્યમાં અમદાવાદ, સુરત અને ભાવનગરના નવા ત્રણ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં પાંચ નવા કેસ સામે આવતા રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૪૩ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાવનગરમાં ૭૦ વર્ષના દર્દીનું મોત થયું છે જે રાજ્યમાં કોરોના ચેપથી ત્રીજું મૃત્યુ હોવાનું જણાયું છે. અગાઉ અમદાવાદની ૮૫ વર્ષની વૃદ્ધા સાઉદથી પરત ફર્યા હતા તેમનું ગત રાત્રે મોત થયું હતું.
અમદાવાદમાં વધુ એક પોઝિટિવ આવ્યો છે જેમાં ૫૯ વર્ષની મહિલાનો સમાવેશ થાય છે અને તેને સ્થાનિક સંપર્કમાં આવવાથી સંક્રમણ થયું છે. જ્યારે વડોદરામાં યુકેથી આવેલા ૫૫ વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં ૪૨ વર્ષના પુરૂષને લોકલ ટ્રાન્સમિશન થકી કોરોના થયો હોવાનું જણાયું છે અને તમામ પોઝિટિવ દર્દીઓને આઈસોલેશનમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તેની વિગતો પણ ચકાસી તેવા લોકોને શોધી તેમની જરૂરી તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં ૭૫ વર્ષના વૃદ્ધાનો કેસ પોઝિટિવ આવ્યો છે જેમને સ્થાનિક સ્તરે સંક્રમણ થયું છે.
જયંતિ રવિએ જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે જે મહિલાનું મૃત્યુ થયુ છે તે ૮૫ વર્ષની ઉંમર અને સાઉદી અરેબિયાની પ્રવાસ હિસ્ટ્રી ધરાવે છે તેમને માનસિક બિમારી સાથે અન્ય લક્ષણો હતા. જયારે ભાવનગર ખાતે ૭૦ વર્ષના એક પુરુષનું નિધન થયુ છે જેઓ ડાયાબિટિસ, કેન્સર, બ્લડપ્રેસર, હાઈપર ટેન્શન જેવી બિમારીથી અગાઉથી જ પીડાતા હતા તેમ તેમણે ઉમેર્યું હતુ.
ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૧૧ ક્વોરેન્ટાઇનની ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. જેમાં ૧૨૦૫૯ બેડની વ્યવસ્થા છે. ૧૯૫૬૭ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન અને ૧૨૪ વ્યક્તિઓને પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેમજ રાજ્યમાં કેટલાક મુસાફરોએ ક્વોરેન્ટાઇન માટે અનિચ્છા દર્શાવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ૧૪૭ વ્યક્તિ સામે એફઆઈઆર નોઁધવામાં આવી છે. રાજ્યમાં તમામ લોકોનો સર્વે હાથ ધરાયો છે. જેમાં આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગમાં સહયોગ લેવાઈ રહ્યો છે.