ઓસ્ટ્રેલિયન મીડિયાનો રિપોર્ટ શરમજનક…
સિડની : ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા, ઋષભ પંત, શુભમન ગિલ, પૃથ્વી શો અને નવદીપ સૈની તેમ જ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા પર પણ કોરોના પ્રોટોકોલ તોડવાનો આરોપ લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ એક ફોટો શેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોહલી અને પંડ્યા વનડે સિરીઝ દરમિયાન એક દુકાનની મુલાકાતે આવ્યા હતા. ફોટો સિડનીના બેબી વિલેજમાં આવેલા બેબી સ્ટોરનો હતો.
હવે બેબી સ્ટોરના માલિકે ઓસ્ટ્રેલિયન મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. બેબી વિલેજના માલિક નાથન પોંગ્રાસે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન મીડિયાનો રિપોર્ટ શરમજનક છે. કોહલી અને પંડ્યાએ કોઈપણ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું નથી. આ ફોટાના સમયે (૭ ડિસેમ્બર) ન્યૂ સાઉથ વેલ્સમાં કોઈ પ્રતિબંધ નહોતો.
નાથેને કહ્યું, ’કોહલી અને પંડ્યા સ્ટોર પર આવ્યા અને થોડો સમય વિતાવ્યો. એ સમયે ન્યૂ સાઉથ વેલ્સમાં કોઈ સમસ્યા નહોતી. અમે તેમને ભેટ આપવા માગતા હતા, પરંતુ તેઓ સહમત ન થયા અને કહ્યું કે તેઓ તમામ સામાન માટે પે કરશે. તેમણે અમારી સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો. તેમણે અમારા સ્ટાફ સાથે પણ વાત કરી. બંને ખૂબ સારા છે.