બેલગામ કોરોના : દૈનિક કેસ મામલે તમામ રેકોર્ડ ધ્વસ્ત, મૃત્યુઆંક પણ વધ્યો…
ન્યુ દિલ્હી : ભારત હાલ કોરોનાની ભયાનક લહેરનો સામનો કરી રહ્યો છે. દરરોજ દેશમાં કોરોનાના રેકોર્ડ સમાન નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં સોમવારે કોરોનાના કુલ ૩.૫૪ લાખ નવા કેસ સામે આવ્યા હતા જે વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
ભારતમાં સતત ૫મા દિવસે કોરોનાના ૩ લાખ કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. મતલબ કે, છેલ્લા ૫ દિવસમાં જ દેશમાં કોરોનાના ૧૫ લાખથી વધારે નવા કેસ સામે આવ્યા છે.
કોરોના સંકટની શરૂઆતમાં ભારતે સમગ્ર વિશ્વની મદદ કરી હતી. રેમડેસિવિરથી લઈને વેક્સિન પૂરી પાડવા સુધી ભારત ક્યાંય પાછું નહોતું પડ્યું. હવે જ્યારે ભારત પર કોરોનાની નવી લહેર ત્રાટકી છે તો દુનિયાના અનેક દેશ ભારતની સાથે છે. અમેરિકાએ વેક્સિન ઉત્પાદન માટે કાચો માલ આપવાની વાત કરી છે અને સાથે જ અન્ય કેટલીક મદદોની જાહેરાત કરી છે.
યુકેએ સારવાર માટે ઉપયોગી અનેક ઉપકરણો રવાના કરી દીધા છે. સાઉદી અરેબિયા, સિંગાપુર જેવા અનેક દેશો હાલ ભારતને ઓક્સિજન કન્ટેનર્સ પૂરા પાડી રહ્યા છે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે દિલ્હીમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત વેક્સિન આપવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રીએ માહિતી આપી છે કે રાજ્ય સરકારે ૧.૩૪ કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે, ૧ મે થી દિલ્હીમાં વેક્સિનેશનની કામગીરી મોટા પાયે કરવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે વેક્સિન નિર્માતાઓને અપીલ કરી છે કે કેન્દ્ર, રાજ્ય અને ખાનગી હોસ્પિટલોને એક સમાન કિંમતે વેક્સિન મળવી જોઈએ. વેક્સિન ઉત્પાદકો દાવો કરે છે કે ૧૫૦ રૂપિયાની વેક્સિનમાં પણ ફાયદો થઈ રહ્યો છે, તો શા માટે જુદા જુદા ભાવો રાખવામાં આવી રહ્યા છે.દિલ્હીના મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે નફો કમાવવા માટે આખું જીવન પડ્યું છે, આવી સ્થિતિમાં રાજ્ય સરકારોને પણ ઓછી કિંમતે આ વેક્સિન મળવી જોઈએ. કેન્દ્ર સરકારે આ બાબતે દખલ કરવી જોઈએ.
મહારાષ્ટ્રઃરવિવારે ૬૬,૧૯૧ લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. ૬૧,૪૫૦ લોકો સાજા થયા અને ૮૩૨ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં ૪૨ લાખ ૯૫ હજાર લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી ૩૫.૩૦ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૬૪ હજાર ૭૬૦ લોકોનાં મોત નીપજ્યાં છે. ૬ લાખ ૯૮ હજાર ૩૫૪ દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.
ઉત્તરપ્રદેશઃરવિવારે ૩૫,૩૧૧ લોકોને સંક્રમણ લાગ્યું હતું. ૨૫,૬૩૩ લોકો સાજા થયા અને ૨૦૬ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં ૧૦ લાખ ૮૬ હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાં ૭ લાખ ૭૭ હજાર લોકો સાજા થયા છે. જ્યારે ૧૧,૧૬૫ દર્દીનાં મોત થયાં હતાં, ૨ લાખ ૯૭ હજારની સારવાર ચાલી રહી છે.
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે ૨૨,૯૩૩ લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. ૨૧,૦૭૧ લોકો સ્વસ્થ થયા અને ૩૫૦ લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં ૧૦ લાખ ૨૭ હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાં ૯ લાખ ૧૮ હજાર સાજા થયા છે, જ્યારે ૧૪,૨૪૮ દર્દી મૃત્યુ પામ્યા છે. ૯૪,૫૯૨ની સારવાર ચાલી રહી છે.
છત્તીસગઢઃરવિવારે, ૧૨,૬૬૬ લોકોને સંક્રમણ લાગ્યું હતું. ૧૧,૫૯૫ લોકો સ્વસ્થ થયા અને ૧૯૦ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં ૬ લાખ ૫૨ હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી ૫ લાખ ૨૧ હજારો લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૭,૩૧૦ દર્દી મૃત્યુ પામ્યા છે. ૧ લાખ ૨૩ હજારની સારવાર ચાલી રહી છે.
ગુજરાતઃરવિવારે રાજ્યમાં ૧૪,૨૯૬ લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. ૬,૭૨૭ લોકો સ્વસ્થ થયા અને ૧૫૭ લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં ૪ લાખ ૯૬ હજાર લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી ૩ લાખ ૭૪ હજાર લોકો સાજા થયા છે, જ્યારે ૬,૩૨૮ દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં ૧,૧૫,૦૦૬ દર્દી સારવાર લઈ રહ્યા છે.
મધ્યપ્રદેશઃ રવિવારે રાજ્યમાં ૧૩,૬૦૧ લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. ૧૧,૩૨૪ લોકો સ્વસ્થ થયા અને ૯૨ લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં ૪ લાખ ૯૯ હજાર ૩૦૪ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી ૪ લાખ ૦૨ હજાર ૬૨૩ લોકો સાજા થયા છે, જ્યારે ૫,૧૩૩ લોકોનાં મોત થયાં છે. અહીં ૯૧,૫૪૮ દર્દી સારવાર લઈ રહ્યા છે.