USA : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય આડે હવે રોકડા પાંચ દિવસ બાકી રહ્યા છે. જતાં જતાં તેમણે ચીનની વધુ બે કંપની સામે કડક પગલાં લીધાં હતાં.
ટ્રમ્પે ચીની સ્માર્ટફોન કંપની શાયોમી કોર્પ અને ચીનની સરકારી ઓઇલ કંપની ચાઇના નેશનલ ઓફશોર ઓઇલ કોર્પોરેશનને બ્લેકલિસ્ટ કરી હતી. અત્યાર અગાઉ ટ્રમ્પે ડઝનબંધ ચાઇનીસ એપ્સ પણ બૅન્ડ કરી હતી.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ ઊંડા પાણીમાં ઓઇલનું સંશોધન કરતી ચાઇના નેશનલ ઓફશોર ઓઇલ કોર્પોરેશનમાચે અમેરિકાએ જણાવ્યું હતું કે અમેરિકાની કોઇ પ્રકારની ટેક્નોલોજીનો લાભ હવે આ કંપની પરવાનગી વિના લઇ નહીં શકે. અત્યાર પહેલાં પણ ટ્રમ્પ વહીવટે ૨૦૨૦માં ૬૦ ચીની કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો હતો.
નવા વરાયેલા પ્રમુખ જો બાઇડન સત્તાની ધુરા ગ્રહણ કરે એ પહેલાં ટ્રમ્પે લીધેલું આ બહુ મોટું પગલું ગણાય છે. ટ્રમ્પ શાસને એવો આક્ષેપ કર્યો હતો કે આ કંપનીઓ ચીની લશ્કર સાથે જોડાયેલી છે અને એનો સ્ટાફ જાસૂસી કરતો હતો. સાઉથ ચાઇના સમુદ્રમાં ચીને સર્જેલા તનાવના પગલે ટ્રમ્પે આ પગલું લીધું હોવાનું મનાતું હતું.
અમેરિકાના સંરક્ષણ ખાતાએ જે નવ કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી એમાં હવે શાયોમીનો પણ સમાવેશ થયો હતો. બ્લેકલિસ્ટ થયેલી અન્ય કંપનીઓમાં નેરો બોડી પ્લેન બનાવતી ચીનની સરકારી કંપની કમર્શિયલ એરક્રાફ્ટ કોર્પ ઑફ ચાઇના લિમિટેડનો પણ સમાવેશ થાય છે. આ કંપની દ્વારા ચીન બોઇંગ અને એરબસ કંપની સાથે હરીફાઇ કરવા માગતું હતું.
ટ્રમ્પે એક એક્ઝિક્યુટીવ આદેશ પર સહી કરી હતી. એ આદેશનો સાર એટલો હતો કે અમેરિકી સંરક્ષણ ખાતાએ જે ચીની કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી એમાંથી અમેરિકી ઇન્વેસ્ટર્સે પોતાની મૂડી ૨૦૨૧ના નવેંબર સુધીમાં પાછી ખેંચી લેવી.
- Naren Patel