USA : વિદાય લઇ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો અણસાર આપ્યો હતો કે વીસમી જાન્યુઆરીએ અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડનનો શપથ વિધિ યોજાય એ પહેલાં પોતે વૉશિંગ્ટન ડીસી છોડીને અન્યત્ર ચાલ્યા જશે.
છેલ્લા થોડા દિવસમાં ટ્રમ્પ માત્ર અમેરિકામાં જ નહીં, દુનિયા આખીમાં બદનામ થયા હતા. પ્રમુખપદની ચૂંટણીમાં પોતે પરાજિત થઇ રહ્યા છે એનો ખ્યાલ આવતાં તેમણે પોતાના સમર્થકોને સંસદ પર ચડાઇ લઇ જવાની હાકલ કરી હતી અને હજારો લોકો કેપિટલ હિલ પર ધસી ગયા હતા. એ સમયે કેપિટલ હિલમાં જો બાઇડનને વિજેતા જાહેર કરવાની પ્રક્રિયા ઇલેક્ટોરલ કૉલેજ દ્વારા ચાલી રહી હતી.
ટ્ર્મ્પના સમર્થકોએ રીતસર હલ્લો કર્યો હતો અને હિંસક તોફાનો દ્વારા ભાંગફોડ કરી હતી. આ હુમલા દરમિયાન એક મહિલા સહિત ચાર વ્યક્તિનાં મરણ થયાં હતાં. પોતાની ભૂલ સમજાયા બાદ ટ્રમ્પે સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું નુકસાન થઇ ચૂક્યું હતું.
ત્યારબાદ ચાર ભૂતપૂર્વ પ્રમુખોએ ટ્રમ્પને ખખડાવ્યા હતા અને ટ્રમ્પના સમર્થક મનાતા ઉપપ્રમુખની અનિચ્છા છતાં ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટની દરખાસ્ત રજૂ થઇ હતી. દેશ અને દુનિયામાં ટ્રમ્પ બદનામ થયા હતા. તેમણે થોડા દિવસ પહેલાંજ એવી ટ્વીટ કરી હતી કે પોતે બાઇડનના શપથવિધિમાં હાજરી નહીં આપે. હવે તેમણે એવી જાહેરાત કરી હતી કે વીસમી જાન્યુઆરી પહેલાં પોતે વૉશિંગ્ટન ડીસી છોડીને ચાલ્યા જશે.
ટ્રમ્પના સમર્થકોના કહેવા મૂજબ જોઇન્ટ બેઝ એન્ડ્રુ્યુઝ માં ટ્રમ્પનો વિદાય સમારંભ યોજાશે. ત્યાંથી ટ્રમ્પ સીધા ફ્લોરિડા ઉપડી જશે અને ફ્લોરિડામાં નવજીવન શરૂ કરશે. જો કે ટ્રમ્પની કેટલીક પ્રવૃત્તિઓ પર ઝીણવટભરી નજર રાખનારા સમીક્ષકો કહે છે કે ટ્ર્મ્પ એટલા બધા દેવાદાર છે કે કદાચ તેમણે પોતાની કેટલીક સ્થાવર મિલકતો વેચીને દેવાં ભરવા પડશે નહીંતર કદાચ તેમણે જેલમાં જવું પડશે.
- Nilesh Patel