સુરત : દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોડી રાત્રીથી પલટો આવ્યો હતો. મોડી રાત્રીથી વલસાડમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સવારે ૮ વાગ્યાથી સુરત અને જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો. જે પોણો કલાક સુધી વરસતા પાણી પાણી થઈ ગયું હતું. નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારે વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે વીજળી ડૂલ થઈ ગઈ હતી. જ્યારે વહેલી સવારથી પોણો કલાક જેટલો સમય સુરત સહિત જિલ્લામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે રોડ પાણી પાણી થઈ ગયા હતા. વહેલી સવારે માવઠાનો વરસાદને લઈને કેરી, ચીકુ વાડી વગેરે પાકોને નુકશાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
સવારથી વરસાદના કારણે ધંધે અને નોકરીએ જતા લોકો અટવાઈ ગયા હતા. સવારે રેઈનકોટ લીધા વગર નીકળેલા લોકોને બ્રિજ કે અન્ય જગ્યાઓ પર ઉભા રહી જવાનો વારો આવ્યો હતો. પોણો કલાક સુધી ધંધા રોજગારે જતા લોકો અટવાયા હતા.
પીક અવર્સમાં જ વરસાદના કારણે લોકોને ટ્રાફિકજામનો પણ સામનો કરવો પડ્યો હતો. વરસાદ બંધ થતા લોકો ધંધા રોજગારે નીકળી પડતા રોડ પર ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. જોકે, ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દીવમાં વરસાદી ઝાપટું વરસ્યું, તાલાલા-કોડીનારમાં કેરના પાકને નુકસાન…
દીવમાં વહેલી સવારે ચાર વાગ્યે વરસાદી ઝાપટુ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તાલાલા અને કોડીનાર પંથકમાં કેરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જ્યારે જસદણ અને આટકોટ પંથકમાં રાત્રે બે વાગ્યે ૧૫ મિનિટ સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તૈયાર પાકના ઢગલાને ઢાંકવા માટે ખેડૂતોમાં રાત્રે દોડધામ મચી હતી. તેમ છતાં ઘઉં, જીરૂ, ચણાનો પાક પલળી ગયો હતો.