Charotar Sandesh
ગુજરાત

દરિયાઇ પટ્ટીના તાલુકાને યુદ્ધના ધોરણે બેઠા કરીશું : મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રીએ વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી…

ઉના : તાઉ-તે વાવાઝોડાથી પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લામાં થયેલા નુકશાનનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા હતા. ઉનાના ગરાળ ગામના અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરીને તેમની વેદનાઓ સાંભળી હતી. અને આ દરમિયાન સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે દરિયાઈ પટ્ટીના તાલુકાને યુદ્ધના ધોરણે બેઠા કરીશું.
મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણી ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતી અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાના ગામો-વિસ્તારોમાં થયેલ નુકશાન, તારાજીની જાત માહિતી મેળવવા અને ગ્રામીણ નાગરિકોની વિપદામાં સહભાગી થવા ઉના તાલુકાના ગરાળ ગામે પહોચ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી હવાઇ માર્ગે ઉનાના ગરાળ ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતી અને નુકશાનીનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું.
સીએમ રૂપાણીએ ઉનાના ગરાળ ગામે આ વાવાઝોડાને પરિણામે લોકોના મકાનો, ખેતીવાડીને થયેલા નુકશાનનો કયાસ કાઢવા ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે ગરાળના મહિલા સરપંચ મોંઘીબહેન અને ગ્રામજનો પાસેથી આ વાવાઝોડાએ સર્જેલી તારાજીની આપવિતી સંવેદનાપૂર્વક સાંભળીને આ વિપદામાં રાજ્ય સરકાર ગ્રામજનોની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર પણ આ વેળાએ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ ખેતી-બાગાયતી પાકો તેમજ મકાનોને થયેલા વ્યાપક નુકશાન અંગે તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરીને નિયમાનુસારની રાહત ગ્રામજનોને આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
ઉના ખાતે સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતીનું આકલન કર્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તાઉ-તે વાવાઝોડાથી પ્રભાવિત દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરીશું. ખેતી-બાગાયત પાકોને થયેલા નુકશાનનો તત્કાલ સર્વે કરી ખેડૂતોને સહાય મદદ કરાશે. વીજ પુરવઠો-પાણી પુરવઠો ત્વરાએ પૂર્વવત કરવા તાકિદ કરાઈ છે. મકાનોને થયેલા નુકશાનનો સર્વે કરી જેમના મકાનોને નુકશાન થયું છે તે તમામને નિયમાનુસાર મદદ-સહાય માટે જિલ્લાતંત્રને માર્ગદર્શન આપ્યું હતું. રિસ્ટોરેશન કામગીરીમાં જરૂરિયાત મુજબ વધારાનો મેન પાવર અન્ય તાલુકા-જિલ્લામાંથી બોલાવીને ત્વરાએ કામગીરી પૂર્ણ કરવા સૂચના પણ કર્યું હતું.

Related posts

વડોદરામાં જલ-સે-નલ યોજના અંતર્ગત ગેરકાયદે કનેક્શનની સામે માત્ર ૮૩૪ અરજીઓ આવી…

Charotar Sandesh

રાજ્યમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીને લઈ પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધાર્યું

Charotar Sandesh

અધ્યક્ષ પાટીલે રાજ્યના ખેડૂતોની આવક દોઢ લાખ કરોડ ગણાવી, ભાન થતાં પોસ્ટ ડિલિટ કરી…

Charotar Sandesh