વિધાનસભા સત્ર દરમ્યાન મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું…
ન્યુ દિલ્હી : દિલ્લી વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન સોમવારે કોરોના પર ચર્ચા દરમિયાન બોલતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે ફેબ્રુઆરી અને માર્ચમાં દેશમાં કોરોના શરૂ થયો હતો, કોઈ રાજ્યાં એક કેસ હતો કોઈ રાજ્યમાં બે કેસ હતા. કોરોના પોતાના દેશમાં જ થયો જ નથી, બહારથી આવ્યો છે. એ વખતે જે-જે દેશોમાં કોરોના ખૂબ જ વધુ થઈ ગયો હતો જેવા કે ઈટલી અને લંડન જેવા દેશોમાં કોરોના ખૂબ જ વધુ થઈ ગયો હતો. ત્યાં રહેનાર ભારતીયોએ ભારત સરકારને કહ્યુ કે અમે અમારા દેશમાં આવવા ઈચ્છીએ છીએ. ભારત સરકારે નિર્ણય લીધો કે સ્પેશિયલ ફ્લાઈટની વ્યવસ્થા કરીને એ દેશોમાં જ્યાં કોરોના વધુ છે અને જે ભારતીય આવવા ઈચ્છે છે તેમને પાછા લાવવામાં આવે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે સારી વાત છે. દિલ્લી દેશની રાજધાની છે, તો જેટલી પણ ફ્લાઈટ બહારથી આવી, તેની ૮૦થી ૯૦ ટકા ફ્લાઈટ દિલ્લીમાં ઉતરી છે અને એ દિવસોમાં કોરોના નવો નવો હતો. કોઈને આના વિશે વધુ માહિતી નહોતી. ત્યાં સુધી કોઈ પ્રોટોકૉલ નહોતા, કોઈ આઈસીએમઆરની ગાઈડલાઈન નહોતી, કોઈ ક્વૉરંટાઈન અને આઈસોલેશન નહોતુ. ૨૨ માર્ચનો એક લેટર છે, જે અમારા હેલ્થ સેક્રેટરીએ બધાને મોકલ્યો છે. તેમાં તેમણે લખ્યુ છે કે છેલ્લા એક મહિનામાં ૩૨૦૦૦ યાત્રી બહારથી આવ્યા છે અને તે ૩૨ હજાર યાત્રી બહારથી આવીને દિલ્લીના ખૂણેખૂણામાં ફેલાઈ ગયા છે. તેમને ચિહ્નિત કરાવો. ત્યાં સુધી ૧૮ માર્ચ આસપાસ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવી હતી કે જે લોકો બહારથી આવી રહ્યા છે તેમને ક્વૉરંટાઈન કરવામાં આવે. આ ૩૨ હજાર લોકોને ચિહ્નિત કરવા લગભગ અશક્ય વાત હતી. આ ૩૨ હજાર લોકો એ દેશોમાંથી આવ્યા હતા જ્યાં બહુ જ વધુ કોરોના છે. આનાથી આપણે અંદાજો લગાવી શકીએ કે આમાંથી કેટલા બધા લોકો પહેલેથી જ કોરોનાથી સંક્રમિત હશે. દિલ્લીએ ઝીરોથી શરૂ નથી કર્યુ. દિલ્લીમાં ૫ હજાર, ૬ હજાર કેસથી શરૂ કર્યુ. ત્યારબાદ લૉકડાઉન થઈ ગયુ. કોરોના એ સમયે નવોનવો હતો. મને યાદ છે કે એ દરમિયાન કોઈ કિટ, કોઈ પીપીઈ કિટ, કોઈ ટેસ્ટિંગ કિટ નહોતી. કોઈ ટેસ્ટ નહોતા થતા. બહારથી આવેલા લોકો ચારે તરફ ફેલાઈ ગયા અને એ લોકોએ કેટલા લોકોમાં કોરોના ફેલાવ્યો હશે એનો અંદાજો લગાવી શકાય છે. દિલ્લીએ ધીમેધીમે કોરોના પર ઘણી હદ સુધી કાબુ મેળવ્યો. હું એમ નથી કહી રહ્યો કે કોરોના ૧૦૦ ટકા નિયંત્રણમાં છે.