અમદાવાદ : મહિલા ક્રાઇમ બ્રાંચના મહિલા પીએસઆઈએ દુષ્કર્મ કેસના આરોપી પાસેથી ૩૫ લાખ રૂપિયા પડાવ્યા હોવા મામલે કોર્ટે પીએસઆઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસ તરફથી કોર્ટમાં મહિલાના સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ મામલે સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે ૩૫ લાખના લાંચ લીધાનો આક્ષેપ થયો છે તેમાંથી ૨૦ લાખનો હિસાબ મળી ગયો છે. મહિલા વતી તેના સગાએ આંગડિયા મારફતે આ રકમ સ્વીકારી હતી. હજુ ૧૫ લાખનો હિસાબ મેળવવાનો બાકી છે. લાંચ માંગવા મામલે મહિલા પીએસઆઈને સાથે રાખીને તપાસ કરવાની હોવાથી સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેમાંથી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. નોંધનીય છે કે અમદાવાદ મહિલા પીએસઆઇ શ્વેતા એસ જાડેજાએ દુષ્કર્મના આરોપી પાસેથી પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પીએસઆઈએ આરોપી પાસેથી ૩૫ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવતા જ આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી પર બળાત્કાની બે ફરિયાદ નોંધાઈ હતી અને તે માટે આરોપીને પાસા ન કરવા ૩૫ લાખ રૂપિયા માંગ્યા હતા.
આરોપીએ ટુકડે ટુકડે ૩૫ લાખ ચૂકવ્યા હતા. આરોપીએ આંગડિયા અને ચેક મારફતે પૈસા આપતા પુરાવા એકત્રિત કરી આ ફરિયાદ નોંધવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો પૈસા આપ્યા બાદ આરોપીએ પીએસઆઈ સામે અરજી કરી હતી અને મોટા માથાઓની ઓળખાણથી પીએસઆઈ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે તપાસ એસઓજીને સોપાતા એસઓજીએ મહિલા પીએસઆઈ શ્વેતા એસ જાડેજાની અટકાયત કરી હતી. મહિલા પીએસઆઈ ૨૦૧૭ની બેચમાં પીએસઆઈ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજા છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રાઇમ બ્રાંચના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમય દરમિયાન જાન્યુઆરીમાં તેઓને એક કેસની તપાસ સોંપવામાં આવી હતી. આ કેસ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનનો વર્ષ ૨૦૧૯નો દુષ્કર્મ કેસ હતો. આ દુષ્કર્મ કેસના આરોપી સામે એક નહીં પણ બે-બે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની ફરી તપાસ મહિલા પીએસઆઈને સોંપવામાં આવી હતી. બે-બે દુષ્કર્મ કેસની તપાસના આરોપીને મહિલા પીએસઆઈએ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને કાયદાકીય ધાકધમકી આપી તેને પાસામાં ધકેલી દેવાની ચીમકી આપી હતી.
જો પાસા ન કરવા હોય તો ૨૦ લાખની માંગણી કરી. જેમાં ફરિયાદી સહમત થઇ જતા બળાત્કાર કેસના આરોપીએ મહિલા પીએસઆઈના કહેવાથી ૨૦ લાખ રૂપિયા જયુભા નામના શખ્સને જામજોધપુર ખાતે આંગડિયાથી મોકલી આપ્યા હતા. બાદમાં ફરીવાર બળાત્કાર કેસના આરોપીને મહિલા પીએસઆઈ બોલાવીને ધમકી આપી ફરીથી પાસા ન કરવા હોય તો ૧૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. બીજીવાર પણ દુષ્કર્મ કેસના આરોપીએ ચેક અને આંગડિયા મારફતે પૈસા ચૂકવ્યા હતા. આ આખી ઘટના થયા બાદ બળાત્કાર કેસના આરોપીએ મોટા ગજાના અધિકારીને ભલામણ કરીને મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજા સામે ક્રાઇમ બ્રાંચમાં પ્રાથમિક અરજી કરી હતી. જે આધારે ક્રાઇમ બ્રાંચે ગુરુવારે ફરિયાદ નોંધી તપાસ અમદાવાદ એસઓજીને સોંપવામાં આવી હતી.