ચિંતાજનક : દેશમાં ત્રણ દિવસમાં જ એક લાખ કેસ નોંધાયા
કુલ કેસોની સંખ્યા ૧૦.૭૭ લાખ, મૃત્યુઆંક ૨૬૮૧૬એ પહોંચ્યો,મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો ૩ લાખને પાર – કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં ૨૩ જુલાઈ સુધી લોકડાઉન
૬.૭૭ લાખ દર્દીઓએ કોવિડ-૧૯ને મ્હાત આપી, અત્યારે કુલ ૩.૭૩ લાખ એક્ટિવ કેસ
ન્યુ દિલ્હી : ભારતમાં અનલોક-૨માં અમેરિકા અને બ્રાઝીલ બાદ દરરોજ કેસમાં વધારો થઇ રહ્યો હોય તેમ અત્યારસુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં ૩૯ હજારની નજીક કેસો સામે આવ્યાં છે.તે સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા ૧૦ લાખને પાર પહોંચીને હવે ગણતરીના કલાકોમાં ૧૧ લાખ કેસો થઇ જાય તેમ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, ગઇકાલ શનિવારે ૩૮,૯૦૨ કેસો નોંધાતા તે સાથે દેશમાં અત્યાર સુધી ૧૦ લાખ ૭૭ હજાર ૬૧૮ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં નોંદાયા છે. સતત ત્રીજા દિવસે ૩૦ હજારની ઉપર કેસો સામે આવ્યાં છે. વધુ ૫૪૩ના મોત સાથે કુલ ૨૬,૮૧૬ લોકોના મોત થઈ ચૂક્યા છે, જો કે અત્યારસુધીમાં ૬ લાખ ૭૭ હજાર લોકો સાજા થયા છે.વધતાં જતાં કેસોને કારણે કેટલાક શહેરો અને બિહારમાં ફરી લોકડાઉનનો અમલ કરવાની ફરજ પડી છે.શહેરોની સાથે ગ્રામિણ ક્ષેત્રમાં કેસો વધતાં સત્તાવાળાઓ વધારે ચિંતિત બન્યા હોવાનું પણ સમજાય છે. કેમ કે ગામડાઓમાં શહેરો જેવી ઝડપી આરોગ્ય સુવિધા ખૂબ ઓછી હોય છે. ગઇકાલે શનિવારે વધુ ૩,૫૮,૧૨૭ સેમ્પલો ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આજે રવિવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના એટલે કે શનિવારના આંકડા જાહેર કરવામાં આવ્યાં હતા.. આ આંકડા અનુસાર, દેશમાં હાલમાં ૩ લાખ ૭૩ હજાર ૩૭૯ દર્દીઓ સારવાર હેઠળ છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં ૯૩ હજારથી વધુ દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેના બાદ તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને પાંચમાં નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. ભારત દુનિયામાં એક્ટિવ કેસ મામલે ચોથા નંબરે છે.
જ્યારે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ચેરમેન ડો.વીકે યાદવે કહ્યું કે, દેશમાં હવે કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયું છે. સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મિડિયાને તેમણે કહ્યું કે, રોજ ૩૦ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. સૌથી ખરાબ વાત તો એ છે કે હવે સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે.
બીજી તરફ, કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં ૨૩ જુલાઈ સુધી લોકડાઉન લગાવી દેવાયું છે. જો કે, આ દરમિયાન સવારે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી છૂટ આપવામા આવી છે. મધ્યપ્રદેશના ભોપાલમાં રવિવારે પૂર્ણ લોકડાઉનનો અમલ કરાયો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજધાનીમાં સંક્રમણની ટકાવારી ૧૦% થવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ભોપાલમાં હવે દુકાનો રાતે ૧૦ વાગ્યાની જગ્યાએ ૮ વાગ્યે બંધ થશે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના વરિષ્ઠ નેતા અને પરભાણીથી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય બાબજાની દુરાનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.રાજ્ય સરકારે સપ્ટેમ્બર મહિનામાં અંતિમ વર્ષની પરીક્ષા માટે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના દિશા-નિર્દેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
ઉત્તરપ્રદેશમાં મંત્રી કમલા રાની પણ કોરોના પોઝિટિવ મળી આવી છે.તેમને સંજય ગાંધી પીજીઆઈમાં દાખલ કરાવાયા છે. મંત્રી કમલા રાની કાનપુરના ઘાટમપુરથી ધારાસભ્ય છે. તો આ તરફ વરિષ્ઠ આઇપીએસ અધિકારી નવનીત સિકેરા કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
બિહાર સરકારે કેસો વધતાં તમામ જિલ્લામાં એન્ટીજન કીટથી તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે જણાવ્યું કે, લક્ષણ લાગે એવા લોકો હોસ્પિટલમાં જઈને મફત તપાસ કરાવી શકે છે. રાજ્યમાં શ્રમ સંસાધન મંત્રી અને લખીસરાય ધારાસભ્ય વિજય કુમાર સિન્હા, પાટલિપુત્રના સાંસદ રામકૃપાલ યાદવ અને તેમના પત્ની કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. મંત્રી વિજય કુમારની પટનામાં એઈમ્સમાં સારવાર ચાલી રહી છે.
દરમ્યાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચઃઆઇસીઆમઆર) અનુસાર, ૧૮ જુલાઈ સુધી ટેસ્ટ કરવામાં આવેલા સેમ્પલોની કુલ સંખ્યા ૧,૩૭,૯૧,૮૬૯ છે. જેમાંથી ૩,૫૮,૧૨૭ સેમ્પલો શનિવારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ બાદ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત ભારત છે, પરંતુ પ્રતિ ૧૦ લાખ વસ્તી પર સંક્રમિત કેસ અને મૃત્યુદરની વાત કરીએ તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે. ભારત કરતા વધુ કેસ અમેરિકા (૩,૮૩૩,૨૭૧), બ્રાઝીલ (૨,૦૭૫,૨૪૬)માં છે.