છેલ્લા ૨૪ કલાકમાં ૩.૧૧ લાખ નવા કેસ સામે ૩.૬૨ લાકો સ્વસ્થ…
છેલ્લા ૨૪ દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા,વધુ ૪૦૭૭ દર્દીઓએ જીવ ગુમાવ્યા, ૧૮ કરોડ ૨૨ લાખથી વધુ લોકોને વેક્સિન અપાઇ…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ૩ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ કોવિડ દર્દીના મોતનો સીલસીલો યથાવત છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ ઘટ્યા છે પરંતુ મોતનો આંકડો વધી રહ્યો છે. દક્ષિણ ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ હજુ પણ જોવા મળી રહ્યા છે. કેરળ અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના નવા ૩,૧૧,૧૭૦ દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૨,૪૬,૮૪,૦૭૭ પર પહોંચ્યો છે. જ્યારે ૩૬,૧૮,૪૫૮ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાથી એક દિવસમાં ૩,૬૨,૪૩૭ દર્દીઓ સાજા થયા છે અને આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૨,૦૭,૯૫,૩૩૫ થઈ છે. જો કે સૌથી ચિંતાજનક કોઈ વાત છે તો તે છે મોતનો આંકડો. એક દિવસમાં કોરોનાથી ૪૦૭૭ દર્દીઓએ જીવ ગુમાવ્યા. આ સાથે કુલ મૃત્યુઆંક ૨,૭૦,૨૮૪ પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૮,૨૨,૨૦,૧૬૪ લોકોને રસી અપાઈ છે.
આઈસીએમઆરના જણાવ્યાં મુજબ શનિવારે દેશભરમાંથી કોરોના વાયરસના ૧૮,૩૨,૯૫૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩૧,૪૮,૫૦,૧૪૩ સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે.
દિલ્હીમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૪૩૦ નવા કેસ આવ્યા. જ્યારે ૩૩૭ લોકોના મોત થયા. આ દરમિયાન કોરોનાને ૧૧૫૯૨ લોકોએ માત આપીને રિકવરી પણ મેળવી. દિલ્હીમાં કોરોનાથી સંક્રમણનો દર ઘટીને ૧૧.૩૨ ટકાથયો છે. જે ૧૧ એપ્રિલ બાદ સૌથી ઓછો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાને સતત લોકો માત આપી રહ્યા છે. એક દિવસમાં કોરોનાના નવા ૩૪૮૪૮ દર્દીઓ મળ્યા જ્યારે ૫૯ હજારથી વધુ દર્દીઓ એક દિવસમાં રિકવર થયા. જો કે ચિંતાની વાત એ છે કે પ્રદેશમાં શનિવારે ૨૪ કલાકમાં ૯૬૦ દર્દીઓના કોરોનાથી મોત થયા. હાલ મહારાષ્ટ્રમાં કોરોનાના ૪ લાખ ૯૪ હજારથી વધુ એક્ટિવ કેસ છે.