Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી : ઉમરેઠ ન.પા.માં ઈવીએમ મશીનનું નિદર્શન કરાયું…

આણંદ : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ માટેની ઉમેદવાર ફોર્મ ચકાસણી અને નિશાન ફાળવણી ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ઉમરેઠ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૮ ફેબ્રુઆરીએ યોજાનાર છે. ઉમરેઠના કુલ ૭ વોર્ડમાં, વોર્ડ દીઠ ૪ મુજબ ૨૮ કાઉન્સિલરો માટેની ચૂંટણી યોજાવાની છે. નગરપાલિકાની ચૂંટણીમાં એક વોર્ડમાંથી ૪ ઉમેદવારને ચૂંટવાના થાય છે. જેથી ઈવીએમ પણ મલ્ટિચોઈસ પ્રકારના હોય છે. જે બાબતે મતદાતાઓને યોગ્ય સમજ આપવાના હેતુએ ઉમેરઠ નગરપાલિકા વિસ્તારમાં ઈવીએમ મશીનનું નિદર્શન યોજાયું હતું. આ બાબતે વધુ વિગતો આપતા ચૂંટણી અધિકારી ઉમરેઠ નગરપાલિકા અને જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, ઉમરેઠ નગરપાલિકાના મતદારોની નગરપાલિકાના મલ્ટિચોઈસ પ્રકારના ઇવીએમમાં મતદાન કરવા અંગેની સમજ મળી રહે તે આશયથી તમામ વોર્ડમાં ઇવીએમ નિદર્શનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે.
જે અંતર્ગત તમામ વોર્ડના જાહેર સ્થળો ઉપર મતદારોની મલ્ટિચોઈસ ઈવીએમમાં કેવી રીતે મતદાન કરવું તે અંગેની સમજ આપવામાં આવે છે. નગરપાલિકાના ઇવીએમ પૈકીના બેલેટ યુનિટમાં મતદારે પોતાની પસંદગી મુજબના ચાર ઉમેદવારોને તેમના ક્રમ સામેનું બટન દબાવી બાદમાં રજીસ્ટરનું બટન દબાવી મત આપવાનો થાય છે. જેની માસ્ટર ટ્રેનરની ટીમ દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી રહી છે. કોરોનાના આ સમયગાળામાં ઇવીએમ નિદર્શન સમયે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેની કાળજી લેવામાં આવે છે.તેમજ મતદારો માસ્ક પહેરીને જ નિદર્શનમાં ભાગ લે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે.
મહત્વનું છે કે, ઉમરેઠ નગરપાલિકાના કુલ સાત વોર્ડમાં ૨૮ મતદાન મથકો છે તથા ૧૪૬૧૧ પુરુષ ૧૪૦૦૨ સ્ત્રી ૧ અન્ય કુલ ૨૮૬૧૪ મતદારો આગામી ૨૮ મી ફેબ્રુઆરીના રોજ મતદાનમાં ભાગ લેનાર છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી આર.જી.ગોહિલના માર્ગદર્શન મુજબ ચૂંટણી અધિકારી ઉમરેઠ નગરપાલિકા અને જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયા,મદદનીશ ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી,આણંદ એન.એસ.સુવેરા,ચીફ ઓફિસર ઉમરેઠ ભારતીબેન સોમાણી અને તેઓની સમગ્ર ટીમ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Related posts

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ૪-ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી આણંદ દ્વારા સાયકલ રેલી યોજાઇ

Charotar Sandesh

એજન્ટ થકી દુબઈના શારજહામાં ગયેલ આણંદ-વડોદરાના યુવતી-યુવકો ફસાયા : સાંસદ દ્વારા પ્રયાસો શરૂ

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજની ચુંટણી : આણંદમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસ દ્વારા બાઈક રેલીઓ યોજાઈ…

Charotar Sandesh