સરહદે તણાવ વચ્ચે નેપાળે બિહારના સીતામઢીમાં ફાયરિંગ કર્યુ…
સીતામઢી : ભારત-નેપાળમાં સરહદને લઇ ચાલી રહેલા વિવાદની વચ્ચે બિહારના સીતામઢીથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે જાનકીનગર બોર્ડર પર નેપાળ શસ્ત્ર બળની તરફથી ફાયરિંગ કરાઇ છે. જેમાં ખેતરમાં કામ કરી રહેલા એક ભારતીય વ્યક્તિનું મોત થયું, તો બીજા બે લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર કહેવાય છે. ઘટના બાદથી સરહદ પર તણાવની સ્થિતિ બનેલી છે.
મળતી માહિતી પ્રમાણે ફાયરિંગનો આખો મામલો નારાયણપુર અને લાલબન્દી બોર્ડર વિસ્તારનો છે. પિપરા પરસાઇન પંચાયતની જાનકી નગર બોર્ડર પર કેટલાંક લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમ્યાન નેપાળના શસ્ત્ર બળ એ આ લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવાનું શરૂ કરી દીધું. જેમાં જાનકીનગર ટોલે લાલબન્દીના રહેવાસી નાગેશ્વરરાયના ૨૫ વર્ષના દીકરા ડિકેશન કુમારનું મોત થયું.
નેપાળ પોલીસના ફાયરિંગમાં બે લોકો ઘાયલ થયા છે. તેમાં બિનોદ રામના દીકરા ઉમેશ રામને હાથમાં ગોળી લાગી છે. આ સિવાય સહોરબા નિવાસી બિંદેશ્વર ઠાકુરના દીકરા ઉદય ઠાકુરને પગમાં ગોળી લાગી છે. બંને ઘાયલોની ગંભીર સ્થિતિને જોતા સારવાર માટે સીતામઢી રેફર કરાયા છે. હાલ બોર્ડર પર બંને દેશની પોલીસ તૈનાત છે. સરહદ પર તણાવની સ્થિતિ દેખાય રહી છે. સ્થળ પર જિલ્લા વહીવટીતંત્રના કેટલાંય ઉચ્ચ અધિકારીઓ જવા માટે રવાના થઇ ગયા છે.