રાજકોટ : દેશમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૭ના કોંગ્રેસના ઉમેદવારો આજે સાઇકલ લઈને પ્રચાર કર્યો હતો. બીજી તરફ વોર્ડ નં.૩ના ભાજપના ઉમેદાવારો પાર્ટીના ચિન્હન કમળના ફૂલ સાથે પ્રચાર કરવા નીકળ્યાં હતા. કોંગ્રેસના ઉમેદવાર રણજિત મૂંધવા, કેતન જરીયા, અલ્પાબેન રવાણી અને વૈશાલી પડ્યા સાઇકલ પર ચૂંટણી પ્રચારમાં નીકળ્યાં હતા. કોંગ્રેસના ઉમેદવાર રણજીત મૂંધવાએ જણાવ્યું હતું કે, સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે લોકોની વચ્ચે મોંઘવારીનો મુદ્દો લઈને જઇ રહ્યા છીએ. રાજકોટમાં ઇ-મેમોથી લોકો ત્રસ્ત થયા છે. ત્યારે બાઇક લઈને નહિં પરંતુ સાઇકલ લઈને પ્રચારમાં જોડાયા છીએ.
પેટ્રોલના ભાવમાં આજે ૨૮ પૈસાનો વધારો થતાં ૮૫.૭૩ અને ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો થતાં ૮૪.૯૪ રૂપિયા પહોંચ્યો છે. સતત ભાવ વધતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચારમાં પણ મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે. રાજકોટ મનપાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના ગઢ સમાં રાજકોટના વોર્ડ નંબર ૩માં ભાજપના ઉમેદવારોનો અનોખો પ્રચાર જોવા મળ્યો છે. રાજકોટના વોર્ડ નંબર ૩માં આજે ભાજપના ઉમેદવારો હાથમાં કમળ લઇ અને પ્રચારમાં નીકળ્યા હતા. રાજકોટ વોર્ડ નંબર ૩માં વર્ષોથી લોકો પંજાને એટલે કે કોંગ્રેસને મત આપી રહ્યા છે અને વર્ષોથી આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયને આવી રહ્યા છે.
માટે આ વખતે ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઇ ઉધરેજા, અલ્પાબેન દવે અને કુસુમબેન ટેકવાણીએ ખાસ નવી પદ્ધતિ અપનાવી છે. જેમાં તેઓ હાથમાં કમળ લઇ અને લોકોને કમળને મત આપવા અપીલ કરી રહ્યા છે. રાજકોટ વોર્ડ નંબર ૩ વર્ષોથી કોંગ્રેસનો ગઢ છે અને આ વોર્ડમાં વર્ષોથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયને આવી રહ્યા છે. આ વર્ષે સૌથી વધુ મતદારો આ વિસ્તારમાં નોંધાયા છે. કારણ કે, આ વોર્ડમાં રાજકોટ મનપામાં નવા ભળેલા વિસ્તારનો સમાવેશ થયો છે અને આ વોર્ડમાં ફરી એક વખત કોંગ્રેસ પક્ષ દ્વારા જૂના ૨ ઉમેદવારોને રિપીટ કર્યા છે. જેમાં કોંગ્રેસ પ્રદેશ મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાનો પણ સમાવેશ થાય છે. ત્યારે ભાજપના ઉમેદવારોનો કમળ પ્રચાર જનતાને આકર્ષિત કરશે કે પછી કોંગ્રેસનો પંજો ફરી કમળને ભારે પડશે તે ૨૩ ફેબ્રુઆરીના પરિણામ પરથી જાહેર થશે.