Charotar Sandesh
ઈન્ડિયા

પેટ્રોલીયમ પ્રોડકટ પર ટેક્ષથી સરકારને ૪.૫૧ લાખ કરોડની કમાણી : RTIમાં સનસનીખેજ ખુલાસો…

પ્રજા ભલે મરે આપણું ઘર ભરો : RTIમાં સનસનીખેજ ખુલાસો…
સરકારની કમાણીમાં ૫૬.૫ ટકાનો વધારો, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પેદાશોના આયાત પર રૂ. ૩૭,૮૦૬.૯૬ કરોડની કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવી હતી…

ન્યુ દિલ્હી : પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોથી દરેક લોકો હેરાન-પરેશાન છે. સરકાર પાસેથી ટેકસ અને સેસ ઘટાડવાની માંગણી વધતી રહી છે પરંતુ શું તમને ખબર છે કે પેટ્રોલીયમ પ્રોડકટથી સરકારને અબજો રૂપિયાની કમાણી થઇ રહી છે. પેટ્રોલના ભાવમાં લાગેલી આગ બાદ ડિઝલે પણ સદી ફટકારી દીધી છે. રાજસ્થાનના જેસલમેરમાં ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. આમજનતાના ગજવા ખાલી થઇ રહ્યા છે પરંતુ સરકારની તીજોરી ભરાઇ રહી છે. પેટ્રોલીયમ પ્રોડકટ પર કેન્દ્ર સરકારે ૪.૫૧ લાખ કરોડની ટેકસ રેવન્યુ મેળવી છે અને તેમાં ૫૬.૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. કોરોનાકાળ દરમિયાન પણ સરકારની તીજોરી છલોછલ થઇ ગઇ છે. એક આરટીઆઇમાં આ ખુલાસો થયો છે.
કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પ્રોડકટ્‌સ પર કસ્ટમ ડ્યુટી અને એકસાઇઝ ડ્યુટી તરીકે ઈન્ડાયરેકટ ટેકસ રેવન્યૂ તરીકે ૪,૫૧,૫૪૨.૫૬ કરોડની કમાણી કરી છે. જે ગત વર્ષની સરખામણીએ લગભગ ૫૬.૫ ટકા વધારે છે. આ અંગે આરટીઆઇ દ્વારા જાણકારી મળી છે. જયારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કમરતોડ વધારો થતાં કેન્દ્ર અને રાજય સરકારોને ફ્યુઅલ ટેકસ-સેસ ઘટાડવાની માંગ થઇ રહી છે.
રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પેદાશોના આયાત પર રૂ. ૩૭,૮૦૬.૯૬ કરોડની કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવી હતી. સાથે જ દેશમાં આ પ્રોડકટ્‌સના ઉત્પાદન પર સેન્ટ્રલ એકસાઈઝ ડ્યુટીમાંથી ૪.૧૩ લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. આરટીઆઇ દ્વારા મળેલી માહિતી અનુસાર, ૨૦૧૯-૨૦માં પેટ્રોલિયમ પેદાશોના આયાત પર કસ્ટમ ડ્યુટી તરીકે સરકારે ૪૬,૦૪૬.૦૯ કરોડની આવક મેળવી હતી. જયારે આ પ્રોડકટ્‌સના ઉત્પાદન પર સેન્ટ્રલ એકસાઈઝ ડ્યુટીથી રૂ. ૨.૪૨ લાખ કરોડ વસૂલવામાં આવ્યા છે. એટલે કે, બંને ટેકસ અંતર્ગત સરકારે ૨૦૧૯-૨૦માં કુલ ૨,૮૮,૩૧૩.૭૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એક આરટીઆઇ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે નાણાં મંત્રાલય સાથે સંકળાયેલ ડિરેકટોરેટ જનરલ ઓફ સિસ્ટમ્સ એન્ડ ડેટા મેનેજમેન્ટએ માહિતીના અધિકાર હેઠળ તેમની અરજી અંગે માહિતી આપી હતી. તો અર્થશાસ્ત્રી જયંતીલાલ ભંડારીના જણાવ્યા મુજબ, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે માત્ર સામાન્ય માણસ જ નહીં, પરંતુ આખી અર્થવ્યવસ્થા બગડી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજય સરકારોએ ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ પરના તેમના ટેકસ દ્યટાડીને લોકોને મોંધવારીમાંથી રાહત આપવી જોઈએ.

Related posts

Record : કોરોના જંગમાં ભારતની અનોખી સિદ્ધિ : રસીકરણના ડોઝ ૧૦૦ કરોડને પાર

Charotar Sandesh

કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટનો રેટ નક્કી કરવા કેન્દ્ર,રાજ્ય સરકારોને સુપ્રિમનો આદેશ…

Charotar Sandesh

પેટલાદમાં ૯૭ થર્ડ જેન્ડર મતદારોનું મતદાન

Charotar Sandesh