મુંબઈ : સાઉથ સુપરસ્ટાર પ્રભાસ તથા સૈફ અલી ખાનની ફિલ્મ ’આદિપુરુષ’નું શૂટિંગ મંગળવાર, ૨ ફેબ્રુઆરીથી મુંબઈમાં શરૂ થઈ ગયું છે. પ્રભાસે સોશિયલ મીડિયામાં પોસ્ટર શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. પ્રભાસે પોસ્ટર શૅર કરીને કહ્યું હતું, ’આદિપુરુષ’ અનિષ્ટ પર ઈષ્ટના વિજયની ઉજવણીનો ’આરંભ.’ આ મેગા બજેટ ૩ડી ફિલ્મ ૨૦૨૨માં રિલીઝ થશે. લાંબા સમયથી આ ચર્ચામાં રહેલી આ ફિલ્મના શૂટિંગની છેલ્લાં ઘણાં દિવસથી તૈયારી ચાલતી હતી. ઓમ રાઉતના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મ રામાયણ પર આધારિત છે.
ફિલ્મમાં પ્રભાસે રામની ભૂમિકા તથા સૈફ અલી ખાન લંકેશના રોલમાં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે, મેકર્સે ફિલ્મના મોશન કેપ્ચર પર છેલ્લાં ૧૫ દિવસથી કામ કરવાની શરૂઆત કરી હતી. ફિલ્મમાં વીએફએક્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. કહેવાય છે કે ભારતીય દર્શકોએ કોઈ ભારતીય ફિલ્મમાં આટલા વીએફએક્સ જોયા નહીં હોય. મેકર્સે ૧૯ જાન્યુઆરીથી ફિલ્મનું ટેસ્ટ શૂટિંગ શરૂ કરી દીધું હતું. ફિલ્મનું ટેસ્ટ શૂટિંગ બંધ સ્ટૂડિયોમાં થતું હતું, જેથી વાસ્તવિક શૂટિંગ પહેલાં પૂરી પ્રેક્ટિસ કરી શકાય.
૩ડી ફોર્મેટમાં બનતી આ ફિલ્મ પાંચ ભાષા હિંદી, તેલુગુ, તમિલ, મલયાલમ તથા કન્નડમાં રિલીઝ થશે. ફિલ્મને ઓમ રાઉત ઉપરાંત ભૂષણ કુમાર, પ્રસાદ સુતર તથા રાજેશ નાયર પ્રોડ્યૂસ કરે છે. સૂત્રોના મતે, આ ફિલ્મનું બજેટ ૩૫૦-૪૦૦ કરોડની આસપાસ છે. ચર્ચા છે કે ફિલ્મમાં હેમામાલિની કૌશલ્યાના રોલમાં જોવા મળશે, જ્યારે સીતાનો રોલ ક્રિતિ સેનન પ્લે કરશે. ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.