Charotar Sandesh
ગુજરાત

બૂલેટ ટ્રેનના અસરગ્રસ્ત તમામ ૨૮ ગામમાં વળતરની સરકારી ઓફર ખેડૂતોએ નકારી…

નવસારી : નવસારી જિલ્લાના બૂલેટ ટ્રેન અસરગ્રસ્ત તમામ ૨૮ ગામના અસરગ્રસ્તોએ સરકારની જંત્રી આધારિત ઓફર સ્વીકારવાની ના પાડી દેતા સરકાર માટે દુવિધાની સ્થિતિ પેદા થઈ છે. નવસારી જિલ્લાના કુલ ૨૮ ગામમાંથી બહુચર્ચિત બૂલેટ ટ્રેન પસાર થશે ત્યારે આ ગામોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા ત્રણેક વર્ષથી ચાલી રહી છે. જોકે જમીનના વળતર મુદ્દે સંપાદનની કામગીરી જિલ્લામાં ઘોચમાં પડી છે અને નવસારી જિલ્લાની જમીનમાં વળતર મુદ્દે સમાધાન ન થઈ હજુ એક પણ જમીન સંપાદન થઈ શક્યું નથી. હવે તાજેતરમાં સરકારે અસરગ્રસ્ત ગામોમાં અસરગ્રસ્ત તમામ ૨૮ ગામમાં વળતર મુદ્દે લેટર લખ્યો હતો, જેમાં અસરગ્રસ્ત ખેડૂતો જો જંત્રી આધારિત સરકારની વળતર સ્વીકારે તો વધારાના ૨૫ ટકા રકમ મળશે તેવી ઓફર કરી હતી. એક પછી એક તમામ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોએ સરકારની જંત્રી આધારિત વળતર સ્વીકારવાની ઓફર નકારી દીધી છે. આ બાબતની જાણ સંલગ્ન ગામોના તલાટીઓએ સરકારમાં કરી દીધાની જાણકારી મળી છે. અસરગ્રસ્ત તમામ ગામોના ખેડૂતોએ તેમના ગામોમાં સરકારી જંત્રીના ભાવ વાસ્તવિક બજારભાવની સરખામણીએ ખૂબ જ ઓછા હોઈ વળતર સ્વીકારવાની ના પાડી છે અને વાસ્તવિક બજારભાવને આધાર બનાવી વળતર ચૂકવવાની માગ કરી છે. હવે એક પણ ગામના ખેડૂતોએ સરકારી ઓફર સ્વીકારવાની ના પાડતા તંત્ર માટે દુવિધા સર્જાય એમ છે.

છેલ્લા ઘણાં સમયથી બૂલેટ ટ્રેન અસરગ્રસ્તોને વળતર કેટલું ચૂકવાય તે મુદ્દે વાદવિવાદ ચાલી રહ્યો હતો. સરકારના ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓ વધુ વળતર અપાવવા પ્રયત્ન કરતા હતા અને આશ્વાસન પણ આપતા હતા. આ દરમિયાન સરકારે હાલ જંત્રી આધારિત જ વળતરની ઓફર કરતા મહત્તમ અસરગ્રસ્ત ખેડૂતોને વાસ્તવિક બજારભાવ મુજબ તંત્ર વળતર આપશે એવી આશા ખાસ રહી નથી. તેથી હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટમાં જે પિટીશન વળતર મુદ્દે કેટલાક ખેડૂતોએ કરી છે તેમાં મહત્તમ ખેડૂતોએ જોડાવા સંમતિ આપી છે અને હાલ તેની સહી ઝૂંબેશ પણ ચાલી છે.

Related posts

રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના પ્રોફેસરોને મળશે સાતમા પગાર પંચનો લાભ…

Charotar Sandesh

લોકોનાં આરોગ્ય સાથે ચેડાં..૮ ડેરી એકમોના દૂધનાં સેમ્પલો ફેઇલ

Charotar Sandesh

પોલીસની જીપ પર બેસી યુવકે બનાવેલ ટિકટોક વીડિયો થયો વાયરલ… તપાસના આદેશ

Charotar Sandesh