ન્યુ દિલ્હી : ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યા હવે બેંકોને સેટલમેન્ટ અંતર્ગત ૧૩,૯૬૦ કરોડ રૂપિયા ચુકવવા માટે તૈયાર છે. માલ્યાના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તેમણે બેંકોના કંસોર્ટિયમને મોટું પેકેજ આપવા રજૂઆત કરી છે અને જો તેને સ્વીકારી લેવામાં આવે તો તેમના વિરૂદ્ધના તમામ કેસનો ઈડી દ્વારા ઉકેલ આવી શકે છે.
અગાઉ પણ વિજય માલ્યાએ પોતે કિંગફિશર એરલાઈન્સ દ્વારા લેવામાં આવેલું તમામ દેવું ચુકવવા તૈયાર છે તેમ કહ્યું હતું પરંતુ ભારતમાં બેંક અને ઈડીએ તેમની વાત નહોતી સાંભળી.
લંડનની હાઈકોર્ટમાં ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વમાં ૧૩ બેંકના કંસોર્ટિયમે ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યા વિરૂદ્ધ એમ કહ્યું હતું કે, માલ્યા દ્વારા ૯,૮૩૪ કરોડ રૂપિયા ચુકવવા જે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે તે પાયાવિહોણો છે.
દેશની બેંકોએ વિજય માલ્યા પાસેથી ૯,૦૦૦ કરોડ રૂપિયાની લોન પાછી મેળવવાની બાકી છે અને વિજય માલ્યા તેને ચુકવ્યા વગર માર્ચ ૨૦૧૬માં દેશ છોડીને જતા રહ્યા હતા. વિજય માલ્યાને ભાગેડુ ઘોષિત કરી દેવાયેલા છે અને લંડનની કોર્ટમાં તેમના વિરૂદ્ધ કેસ પણ ચાલી રહ્યો છે. તે સિવાય અનેક ભારતીય એજન્સીઓ માલ્યાને મની લોન્ડ્રિંગ અને પૈસાકીય છેતરપિંડી સહિત અનેક ડિફોલ્ટ મામલે વોન્ટેડ ઘોષિત કરી ચુકી છે.
એક અહેવાલ પ્રમાણે મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ વકીલે સેટલમેન્ટ પેકેજની રકમનો ઉલ્લેખ નથી કરેલો. પરંતુ મળી રહેલા સમાચારો પ્રમાણે માલ્યા સેટલમેન્ટ માટે ૧૩,૯૬૦ કરોડ રૂપિયા ચુકવવા તૈયાર છે.