USA : અમેરિકાની હવા તો શુદ્ધ છે અને પર્યાવરણ સંરક્ષણ મુદ્દે પણ અમેરિકાનું પ્રદર્શન પ્રશંસનીય છે એવું સર્ટિફિકેટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને જ આપી દીધું હતું. જી હા નોર્થ કેરોલીનામાં રેલીને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે પોતાના કાર્યકાળ દરમ્યાન અમેરિકાએ ક્લિન એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું છે.
તો ટ્રમ્પે હવા પ્રદૂષણ મુદ્દે ભારતને વધુ એક વખત અડફેટે લીધું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે હવા પ્રદૂષણ માટે ભારત, ચીન અને રશિયા જેવા દેશો જવાબદાર છે. આ દેશો હવામાં જે ફાવે એ ઠાલવ્યા કરે છે. પ્રદૂષણ મુદ્દે ટ્રમ્પ ભારત-ચીન-રશિયાનું નામ વારંવાર લઈ ચૂક્યા છે. પરંતુ ટ્રમ્પ જે હવામાં પ્રદૂષણ ઠાલવવાની વાત કરે છે, એ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ચીન પહેલા ક્રમે છે, અમેરિકા બીજા ક્રમે છે.
ઉલ્લેખનીય છે કે પેરિસ ક્લાયમેટ સંધિમાંથી અમેરિકાનું નામ ટ્રમ્પે જ ૨૦૧૭માં પાછુ ખેંચી લીધું હતું. એ વખતે જ પર્યાવરણ મુદ્દે ટ્રમ્પની બેજવાબદારી જગત સમક્ષ જાહેર થઈ હતી. એ વખતે ટ્રમ્પે કારણ આપ્યું હતું કે આવી આંતતરાષ્ટ્રીય ક્લાયમેટ સંધિઓમાં આપણે અબજો ડોલર ખર્ચીએ છીએ અને તેનો લાભ ભારત-ચીન જેવા દેશો ઉઠાવે છે.
- Nilesh Patel