ન્યુ દિલ્હી : આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ભારતમાં ફિફાનો વિનેન્સ અંડર-૧૭ ફૂટબોલ વર્લ્ડ કપ યોજાનારો છે પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતાં આ મેગા ઇવેન્ટ ફરી એક વાર મુલતવી રહે તેવું જોખમ રહેલું છે. આ ટુર્નામેન્ટ અગાઉ નવેમ્બર ૨૦૨૦માં ભારતમાં અમદાવાદ સહિત પાંચ સ્થળે યોજાનારી હતી પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે તેને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી પાછી ઠેલાઈ હતી. હવે ૧૭મી ફેબ્રુઆરીથી તેનું આયોજન થનારું છે.
કોરોનાના વૈશ્વિક મહામારી હજી પણ ઘટી નથી તે સંજોગોમાં દુનિયાભરમાં તેના ક્વોલિફાઇંગ રાઉન્ડ પણ અટકી ગયા છે. ભારતમાં યોજાનારી ટુર્નામેન્ટમાં રમવા માટે ક્વોલિફાઈ થવા માટે આફ્રિકા, ઉત્તર-મધ્ય અને સાઉથ અમેરિકામાં મેચો રમાવાની બાકી છે. આ મેચો રમાશે નહીં ત્યાં સુધી કઈ ટીમ ભાગ લેશે તેનો નિર્ણય લેવાશે નહીં. આમ ભારતમાં ફેબ્રુઆરીમાં આ ઇવેન્ટ યોજાવાના આસાર ઘટી રહ્યા છે.
આ ટુર્નામેન્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ફિફા દ્વારા આ ટુર્નામેન્ટ સ્થગિત કરવાની પૂરેપૂરી શક્યતા છે. ભવિષ્યમાં તેનું ક્યારે આયોજન કરાશે તે નક્કી નથી પરંતુ આ વખતે તો તે રમાય તેવી શક્યતા ઘડી ગઈ છે. જોકે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના સેક્રેટરી કુશલ દાસે જણાવ્યું હતું કે ફિફા તરફથી આ અંગે હજી સુધી સત્તાવાર રીતે કાંઈ કહેવામાં આવ્યું નથી. કુશલ દાસે એવા સંકેત આપ્યા હતા કે હાલના સંજોગોમાં ટુર્નામેન્ટ મુલતવી રહેવાની પૂરી શક્યતા છે.