છેલ્લા ૧૨ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ વરસતા તમામ વિસ્તારો જળબંબાકાર…
વડાપ્રધાને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી, સીઝનનો ૯૩ ઇંચ વરસાદ ખાબક્યો, કોલાબામાં ૧૨ કલાકમાં રેકોર્ડબ્રેક ૨૯૩.૮ મીમી વરસાદ નોંધાયો…
રાહત અને બચાવ માટે મહારાષ્ટ્રમાં ૨૦ ટીમો તહેનાત કરવામાં આવી…
મુંબઇ : મુંબઇમાં ભારે વરસાદે ફરી એક વખત કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદ અને પવનને કારણે મુંબઇની રફતાર અટકાવી દીધી છે. માયાનગરીના લોકો સંપૂર્ણ રીતે પરેશાન થઇ ગયા છે. ૧૨ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ પડતા શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. વૃક્ષો પડી ગયા છે. રેલવે સેવા ઠપ્પ થઇ ગઇ છે, હાઇવે બંધ થઇ ગયા છે, રસ્તાઓ ડુબી ગયા છે અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે. કોલાબામાં ૧૨ કલાકમાં ૨૯૩.૮ મીમી વરસાદ નોંધાયો. ૪૬ વર્ષ બાદ આવો વરસાદ પડયો છે. ૧૯૭૪માં આવો નજારો જોવા મળ્યો હતો. મુંબઇમાં ૪ મહિનાનો વરસાદ બે મહિનામાં પડી ગયો છે. સરેરાશ કોલાબા અને શાંતાક્રુઝમાં સરેરાશ ૨૦૬૬ મીમી અને ૨૨૬૦ મીમી વરસાદ નોંધાયો હોય છે તેને બદલે અત્યાર સુધીમાં કોલાબામાં ૨૩૦૧.૮ મીમી અને શાંતાક્રુઝમાં ૨૩૩૮.૨ મીમી વરસાદ પડી ગયો છે. રાહત અને બચાવ માટે મહારાષ્ટ્રમાં ૨૦ ટીમો તહેનાત કરવામાં આવી છે. માત્ર મુંબઈમાં જ ૫ ટીમો કામ કરી રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને ઘરેથી ન નીકળવાની અપીલ કરી છે.
ભારે વરસાદને કારણે ચર્ચગેટ, મરીન ડ્રાઇવ, બ્રીચ કેન્ડી જેવા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. ૧૦૦ કિમીની ઝડપે ફુંકાયેલા પવને ખાનાખરાબી સર્જી છે. લોકોને ઘરોની બહાર નહિ નીકળવા તાકીદ કરાઇ છે.
કોરોના વાયરસ સામે લડી રહેલું મુંબઈ હવે નવી આફતનો સામનો કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, ઠાણે અને પાલઘર જિલ્લાઓમાં બુધવારે અતિભારે વરસાદના કારણે જનજીવનને માઠી અસર પહોંચી હતી. મુંબઈમાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. બુધવારે ભારે વરસાદ સાથે ૧૦૭ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો.
મુંબઈના સાયન, ચેમ્બુર, કુર્લા, કિંગ સર્કલ, અંધેરી ઈસ્ટ, સાંતાક્રુઝ સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ટ્રેનો પણ ટ્રેક પર ફસાઈ ગઈ હતી જેના કારણે પેસેન્જર્સ પણ ફસાઈ ગયા હતા. એનડીઆરએફની ટીમે મસ્જિદથી ભાયખલા સ્ટેશન વચ્ચે ફસાયેલા ૪૦ લોકોને બચાવ્યા હતા. ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે બે ટ્રેનો ફસાઈ ગઈ હતી.
બે ટ્રેન ફસાઈ ગઈ હતી જેમાં એક સીએસટીથી કર્જત જઈ રહી હતી જેમાં ૧૫૦ જેટલા લોકો ફસાયા હતા. બીજી ટ્રેન કર્જતથી સીએસટી જઈ રહી હતી અને તે પણ ફસાઈ ગઈ હતી. અતિ ભારે વરસાદના કારણે કોલ્હાપુર, સાંગલી, સતારા, ઠાણે, પાલઘર, મુંબઈ, નાગપુરમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદ અને ભારે પવનના કારણે ઘણી જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.