અરવલ્લીનું શામળાજી મંદિર, ખેડબ્રહ્માનું અંબાજી મંદિર અને ઊંઝાનું ઉમિયા મંદિર ખુલ્યું…
અંબાજી મંદિર ૧૨ જૂને અને મહેસાણાના બહુચરાજી અને શંખલપુરનું બહુચર માતાનું મંદિર ૧૫ જૂનથી ખુલશે…
મહેસાણા : કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરાતાં છેલ્લા અઢી મહિનાથી બંધ મંદિરો, જિનાલયો, ગુરુદ્વારા બંધ હતા તે આજે સોમવારથી દર્શનાર્થીઓ માટે ખુલ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતના સૌથી મોટા મંદિરો પૈકીના એક એવું શામળાજી મંદિર આજે ખુલ્યું છે. આ સિવાય સાબરકાંઠાના ખેડબ્રહ્મા સ્થિત અંબાજી માતાનું મંદિર અને મહેસાણાના ઊંઝાનું ઉમિયા મંદિર પણ ખુલ્યું છે.
મંદિરમાં દર્શન માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા મંદિર સંકુલમાં કુંડાળા કરી દેવાયાં છે. કોરોના સંક્રમણ થતું અટકાવવા દર્શનના સમયમાં એક કલાક સુધીનો ઘટાડો કરાયો છે. મંદિરમાં શ્રીફળ, પૂજાપો વગેરે સાથે નહીં લાવવા તેમજ મંદિરમાં ભક્તોને હાલ પ્રસાદ વિતરણ નહીં કરાય. તમામ મંદિરોમાં હેન્ડ સેનેટાઇઝર બાદ જ પ્રવેશ મળશે અને માસ્ક પહેર્યો હશે તો દર્શન કરી શકશે. ભીડ થતી રોકવા ભક્તો આરતી સમયે હાજરી નહીં આપી શકે. ગુરુદ્વારામાં દર્શન ખુલશે પણ હાલ પ્રસાદનું આયોજન નહીં કરાય.
આજથી ભગવાન શામળાજીના પુનઃભક્તોને દર્શને ઉમટ્યા છે. યાત્રાધામ શામળાજી પણ ૨૧ માર્ચથી ભક્તો માટે બંધ કરાયુ હતુ. ત્યારે ૭૯ દિવસના લાંબા વિરામ બાદ પુનઃ આજથી ભક્તો માટે ખુલ્યું છે. સરકારની ગાઈડ લાઇન મુજબ ટ્રસ્ટ દ્વારા ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સેનેટાઇઝ કરી ટેમ્પરેચર ગન દ્વારા ટેમ્પરેચર માપ્યા બાદ મંદિરમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. ત્યાર બાદ ભક્તોએ મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ માટે બનાવાયેલા સર્કલમાં ઊભા રહી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા બાદ અને માસ્ક ફરજીયાત પહેરવું પડશે. માસ્ક વગર આવેલા ભક્તોને મંદિર માસ્ક આપી રહ્યું છે. જ્યારે મંદિરની અંદર શ્રીફળ કે પ્રસાદ લઇ જઇ શકાશે નહીં. ભક્તો મંદિરમાં દંડવત પ્રણામ પણ નહીં કરી શકે. આરતીના સમયે ભક્તોને પ્રવેશ મળશે નહીં. મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદ તેમજ લાડુની ગોટી પ્રસાદ બંધ રાખવામાં આવ્યો છે.
ખેડબ્રહ્માના પ્રસિધ્ધ અંબાજી મંદિર ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને સેનિટાઈઝર કર્યા બાદ માસ્ક પહરેલા ભક્તોએ લાંબા સમય બાદ માતાજીના દર્શન કર્યા હતા. અહીં સરકારની ગાઈડલાઈન મુજબ ભક્તોને દર્શન કરવા દેવાયા છે.
મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરના દ્વાર સોમવારથી ભક્તોને દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા મંદિરમાં પ્રવેશ પહેલા દરેક ભક્તના હાથ સાબુથી ધોયા બાદ સેનિટાઈઝ કર્યા બાદ મોંઢે માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સની જાળવણી સાથે પ્રવેશ અપાયો હતો. અઢી મહિના બાદ માતાજીના મંદિર ખૂલતા હોઇ દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, લાઇનમાં છાંયડો રહે તે માટે મંડપની વ્યવસ્થા કરાઇ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા માઈભક્તોનું શરણાઈના સૂર સાથે સ્વાગત કરાયું હતું. માતાજીના મંદિરના શિખરે નવી ધજા ચડાવી હતી. આ સમયે સમગ્ર મંદિર પરિસર મા ઉમિયાના જયજયકારથી ગૂંજી ઊઠયું હતું.
લોકડાઉનના અઢી મહિનાના અંતરાલ બાદ અંબાજી મંદિર ભકતો માટે હવે ૧૨ તારીખને શુક્રવાર સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝીંગ સહિતની ગાઇડલાઇન સાથે ખુલ્લું મુકાશે. જેમાં ભક્તોને ટોકન આપી મંદિરમાં પ્રવેશ અપાશે.
યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાનું મંદિર અને શંખલપુર ગામમાં આવેલું બહુચર માતાજીનું ૨૫૦૦ વર્ષ પ્રાચીન આદ્યસ્થાનક આગામી ૧૫ જૂનને સોમવારથી દર્શન માટે ખુલ્લુ મુકવાનો નિર્ણય કરાયો છે. જે બાદ ભક્તો માં બહુચરનાં દર્શન કરી શકશે.
સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ આઇ શ્રી ખોડિયાર માતાજીના મંદિર સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે.માટે સંક્રમણ વધવાનો સમય વર્તમાન સમયમાં દેખાઈ રહ્યો છે. માતાજીના ધામે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા પધારતા હોય છે. માટે મંદિરમાં કામ કરતાં સફાઈ કામદારો કર્મચારીઓ અને દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓને કોરોના વાઈરસનો સંક્રમણ વધું ફેલાય નહીં તે હેતુસર મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શંખેશ્વર મુખ્ય જિનાલય આજે સેનેટાઇઝ કર્યા બાદ ૯ તારીખે પ્રથમ દિવસે માત્ર સ્થાનિક લોકો દર્શન કરી શકશે. ૧૦ જૂનથી સ્થાનિક અને ગુજરાતના તમામ યાત્રિકોને દર્શન કરાવવામાં આવશે. ૩૦ દિવસ બાદ ગુજરાત બહારના શ્રાવકોને દર્શન કરાવાશે.દેરાસર સવારે ૭ વાગે ખુલશે સાંજે ૪ વાગ્યા સુધીજ દર્શન થશે. એક જ ગેટથી એન્ટ્રી સાથે આઈકાર્ડ,માસ્ક અને સેનેટાઇઝ ટનલમાથી પસાર થઈ થર્મલ ઘન ટેસ્ટ કરાવ્યા પછી દેરાસર બહાર મંડપમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે બેસવાનું રહેશે. ૧૦-૧૦ યાત્રિકોને દેરાસરમાં લઇ જવામાં આવશે અને અંદર ૪ યાત્રિકો દર્શન કરશે દર્શન કર્યા બાદ તરત જ બહાર નીકળી મંડપમાં પોતાની જગ્યાએ બેસવાનું રહેશે. સાંજે ૭ વાગે આરતી કરશે સાંજની ભક્તિ ભાવના બંધ રહેશે, યાત્રિકોને સવારથી સાંજ સુધી જ ધર્મશાળામાં રહેવાનું રહેશે. રાત્રી રોકાણ કરવા દેવામાં આવશે નહીં.પૂ.સાધુ,સાધ્વીજી ભગવંતો ૪–૪ના સમૂહમાં જ દર્શન કરવા જઈ શકશે અને અંદર ભક્તિ આરાધના કરવા બેસવા દેવાશે નહી.