મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપી-શિવસેના ગઠબંધનમાં ફરીથી મતભેદ..!
મુંબઇ : મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં એનપીઆર લાગુ કરવાને પોતાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્રમાં ૧ મેથી એનપીઆરની પ્રક્રિયા શરૂ થઇ જશે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય ગૃહમંત્રાલયે ૧ મેથી લઇને ૧૫ જૂન સુધી એનપીઆર લાગુ કરવાની અધિસૂચના જાહેર કરી છે.જોકે, આ મામલે ઉદ્ધવ સરકારમાં સહયોગી દળો વચ્ચે નારાજગી જોવા મળી રહી છે.
કોંગ્રેસ સ્પષ્ટ કરી ચુકી છે કે તે કેન્દ્ર સરકારના આ કાયદાનું સમર્થન નહી કરે. રાજ્ય કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે કહ્યુ કે એનપીઆરની જોગવાઇને લઇને કોંગ્રેસ શરૂથી જ વિરોધ કરી રહી છે, તેમણે કહ્યુ કે તેને લઇને કોંગ્રેસના મંત્રી સરકાર સાથે વાત કરશે. બીજી તરફ શિવસેનાના સાંસદ અનિલ દેસાઇ પણ સ્પષ્ટ કરી ચુક્યા છે કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતું કે એનપીઆર જનગણના જેવી છે. એમ પણ જનગણના દર ૧૦ વર્ષમાં થશે જ તો તેમાં કોઇને શું આપત્તિ હોય. બન્ને દળોમાં આ મુદ્દાને લઇને ખેચતાણ જોવા મળી રહીછે. જલ્દી મહારાષ્ટ્રમાં એનપીઆરને લઇને અધિસૂચના જાહેર કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં એનપીઆરને લાગુ કરવો ઉદ્ધવ ઠાકરે સરકાર માટે આસાન નહી હોય. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મહાઅઘાડી ગઠબંધનની સરકાર છે. કોંગ્રેસ શરૂઆતથી જ સીએએ,એનઆરસી અને એનપીઆરનો ખુલીને વિરોધ કરી રહી છે. એનસીપીએ હજુ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ નથી. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેસન્સ કમિશનરે દેશભરમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધી જનસંખ્યા યાદીને અપડેટ કરવા માટે એનપીઆર લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેની માટે ૭ જાન્યુઆરીએ અધિસૂચના જાહેર કરવામાં આવી હતી.