ચંડીગઢ : બોલિવૂડમાં હાલ બાયોપિકનો દોર ચાલી રહ્યો છે. એમ લાગી રહ્યું છે. ખેલાડીઓ પર બાયોપિક એક પછી એક બની રહી છે. બોક્સિંગથી લઈ બેડમિંટન સુધી અને ક્રિકેટથી લઈ હોકી સુદી બોલિવૂડમાં ફિલ્મો બની છે. ત્યારે હાલ પણ ક્રિકેટ પર બે ફિલ્મો બની રહી છે. જેમાં એક છે ૧૯૮૩ની વર્લ્ડ કપ જીત પર અને બીજી ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજના જીવન પર.
ત્યારે હવે એવા સમાચાર છે કે હવે ટીમ ઇન્ડિયાના ઘાતક ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પર બાયોપિક બનવા જઈ રહી છે. જો કે, આ અંગે કોઈ સ્પષ્ટ અથવા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. પંરતુ એવા સમાચાર છે કે જ્યારે યુવરાજ સિંહને તેના જીવન પર ફિલ્મ બનાવવા અને ફિલ્મમાં તેનું પાત્ર કોણ ભજવશે તે અંગે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે,‘કદાચ હું જ મારો રોલ કરીશ.’ પરંતુ ત્યાર બાદ યુવીએ કહ્યું કે આ નિર્ણય કરવો ડાયરેક્ટરનું કામ છે પરંતુ જો તેને પસંદગી કરવાની હોય તો તે સિદ્ધાંત ચતુર્વેદીને પસંદ કરશે.
આપણે જણાવી દઈએ કે સિદ્ધાંત ચતુર્વેદીએ ફિલ્મ ‘ગલી બોય’માં એમસી શેરનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય સિદ્ધાંતે વેબ સીરીઝ પણ કરી છે જેમાં તેને એક ક્રિકેટરની ભૂમિકા ભજવી હતી. એવી માહિતી છે કે હાલ તે રાણી મુખર્જી સાથે ફિલ્મ ‘બંટી ઔર બબલી ૨’ માં કામ કરી રહ્યો છે. ઉપરાંત દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે.