મુંબઇ : ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દુબઈમાં તેના કરાર હેઠળના ખેલાડીઓ માટે નેશનલ કેમ્પ યોજવાનું વિચારી રહ્યું છે. જોકે, બોર્ડ આ નિર્ણય ત્યારે જ લેશે જ્યારે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)ને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૩મી સિઝનની યજમાની મળી જાય. વિશ્વની સૌથી મોટી ડોમેસ્ટિક ટી૨૦ ક્રિકેટ લીગના આયોજન માટે યુએઈનું નામ ઝડપથી સામે આવી રહ્યું છે. બોર્ડની ૧૭ જુલાઇએ એપેક્સ કાઉન્સિલની બેઠક છે, જેમાં આ નિર્ણય લઇ શકાય છે.
બીસીસીઆઈ આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટે પણ તૈયાર છે પરંતુ બોર્ડ ટી૨૦ વર્લ્ડ કપ અંગે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે, પરંતુ કોરોના વાયરસને કારણે ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવે તેવી સંભાવના વધારે છે.
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત અગાઉથી જ ઓછામાં ઓછા સ્થળે આઈપીએલની મેચો રમાડવાની વિચારણા કરી રહ્યું છે. શરૂઆતમાં આ ટુર્નામેન્ટ મુંબઈ, પૂણે અને નવી મુંબઈમાં યોજવાની વિચારણા કરવામાં આવી હતી પરંતુ કોરોનાના વધતા પ્રભાવને કારણે હાલમાં આ બાબત શકય લાગતી નથી કેમ કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે.