વિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાજકીય ઘમાસાણ…
ભાજપ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું જેમાં બંન્ને પક્ષો વચ્ચે પથ્થરમારો થતા મામલો બિચકાયો, ભાજપે ટીએમસી પર આરોપ મૂક્યો…
કોલકાત્તા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને ટીએમસીએ અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી દીધું છે. બંગાળમાં પોતાનો પાયો મજબૂત કરવા માટે બીજેપી તમામ પ્રયાસ કરી રહી છે. અને થોડા થોડા દિવસોના અંતરે અહીં કેન્દ્રીય મંત્રીઓ સાથેની રેલી યોજે છે. આજે બંગાળમાં કેન્દ્રીય મંત્રી દેબાશ્રી ચૌધરી અને બંગાળ બીજેપી પ્રમુખ દિલીપ ઘોષ અને બીજેપી નેતા સુવેંદુ અધિકારી સાથે ભાજપે રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કરી દીધો હતો. જે બાદ ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.
બીજેપીની રેલી નીકળી તે સમયે ટીએમસીની મહિલા વિંગ દ્વારા કાળા ઝંડા ફરકાવવામાં આવ્યા હતા. અને રેલીની સામે ટીએમસી કાર્યકરોએ ટીએમસીનો ઝંડા દેખાડ્યા હતા. આ સમયે રસ્તા પર રહેલાં અમુક કાર્યકરોએ ભાજપની રેલી પર પથ્થરો મારવાના શરૂ કરી દીધા હતા. જે બાદ બંને પાર્ટીઓનાં સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી.
નંદીગ્રામથી ચૂંટણી લડવાના પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના નિર્ણય બાદ બીજેપીએ નિશાન સાધ્યું છે. સાથે જ બીજેપીએ મમતા બેનર્જીના દક્ષિણ કોલકાતામાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. બીજેપીએ ટાલીગંજથી રાની રાસબિહારી એવન્યુ અને ડાયમંડ હાર્બરમાં રોડ શો નીકાળ્યો હતો. જેમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ, કેન્દ્રીય મંત્રી દેવશ્રી ચૌધરી અને સુવેંદુ અધિકારી સામેલ હતા.
દિલીપ ઘોષે કહ્યું કે, મમતા બેનર્જીએ ગત ચૂંટણીમાં કહ્યું હતું કે તે ૨૯૪ સીટ પર ચૂંટણી લડશે. પણ તે ડરી ગઈ છે. શુભેંદુ અધિકારીએ કહ્યું કે, રાજ્યની જનતાએ મન બનાવી લીધું છે. તે નંદીગ્રામથી ચૂંટણી લડશે કે બીજે ક્યાંયથી જનતા તેમને ઉખેડીને ફેંકી દેશે. તેઓનો પરાજય નિશ્ચિત છે.