નાગરવાડા પછી કારેલીબાગમાં કેસો વધ્યા…
વડોદરા : વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના વધુ ૫ કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૧૩ ઉપર પહોંચી ગયો છે. જેમાં ૩ કેસ નાગરવાડા વિસ્તારના અને ૨ કેસ કારેલીબાગ સ્થિત આનંદનગરના છે. સોમવારે રેડ ઝોન નાગરવાડા નજીક આવેલા કોઠી પોળ તથા કારેલીબાગમાંથી એક-એક કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં ચિંતાનો વિષય બન્યું હતું. ત્યારે આજે બીજા દિવસે પણ કારેલીબાગ વિસ્તારમાંથી ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કારેલીબાગમાં અત્યાર સુધી ૩ પોઝિટિવ કેસો નોંધાયા છે. આમ નાગરવાડા વિસ્તારમાં પછી કારેલીબાગ વિસ્તારમાં કેસો વધ્યા છે.
જેને પગલે કોરોના કોવિડ-૧૯ પ્રસરતો ફેલાવવા અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રેડ ઝોન તરીકે જાહેર કરાયેલા નાગરવાડાની પાસે આવેલા કોઠી પોળ, રાવપુરામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જેને કારણે કોરોના રેડ ઝોનની બહાર પ્રસરી રહ્યો છે. કોઠીના કોરોના પોઝિટિવ આધેડ ૬ મહિના પહેલા જ વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતા અને તેઓ રાવપુરામાં વિસ્તારમાં ઠંડા પીણાની દુકાન ધરાવે છે. આ ઉપરાંત કારેલીબાગ વિસ્તારના આનંદનગર સ્થિત સત્યમ એપાર્ટમેન્ટમાં ૪૦ વર્ષની મહિલાને પણ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો છે, ત્યાર બાદ આનંદનગરમાં આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
વડોદરામાં નાગરવાડા વિસ્તારમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ થવા પાછળની કડી શોધવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. તપાસ દરમિયાન વાત બહાર આવી હતી કે, નાગરવાડાના આધેડ લોકડાઉન લાગુ થયા પહેલાં ૧૬ માર્ચે અમદાવાદમાં ગયા હતા. અને તેમણે દાણી લીમડા વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ દાણી લીમડા વિસ્તારમાં અનેક કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. અમદાવાદની મુલાકાત વેળા નાગરવાડાના આધેડને ચેપ લાગ્યો હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.