વડોદરા : શહેરની ચાર જાણીતી સ્કૂલો સામે વધુ ફી વસૂલતી હોવાની ફરિયાદ થઈ હતી. જે બાદ વડોદરાની ફી નિયમન સમિતિએ તપાસ કરતાં આ શાળાઓ નક્કી માળખા કરતાં વધારે ફી લેતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે આ ચાર સ્કૂલોએ દંડ અને ફી પરત કરવા પેટે કુલ ૧ કરોડથી વધુની રકમ ચૂકવવી પડશે.
ફી નિયમન સમિતિને પોદાર વર્લ્ડ સ્કૂલ, પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, હરણી સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ અને કલાલી સ્થિત ડીપીએસ સામે વાલીઓની વિવિધ ફરિયાદ મળી હતી. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે આ સ્કૂલોએ વધુ ફી લીધાની ફરિયાદ કરવામાં આવી હતી.
પોદાર વર્લ્ડ સ્કૂલ વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફીનો દંડ વસૂલતી હોવાનું પ્રકાશમાં આવતા એફઆરસીએ ૨ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફી ભરવામાં મોડું થાય તો સ્કૂલ પ્રતિ અઠવાડિયે ૩૦૦ રૂપિયા ચાર્જ લેતી હોવાનું સામે આવ્યું છે. પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. સાથે જ ૧,૫૦૦ વિદ્યાર્થીઓને ફી રિફંડ કરવાનો આદેશ કરાયો છે. સ્કૂલ નક્કી કરેલા માળખાથી વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલતી હોવાનું બહાર આવ્યું હતું. એફઆરસીના સભ્ય કેયૂર રોકડિયાના કહેવા મુજબ, રિફંડની રકમ ૨૭ લાખ રૂપિયાની આસપાસ છે.
ફી નિયમન સમિતિએ જણાવ્યું કે, કલાલી સ્થિત ડીપીએસએ ટર્મ ફી સહિતની ફી વધુ લીધી છે જે અયોગ્ય છે. ત્યારે એફઆરસીના આ નિર્ણય આશરે ૨,૯૦૦ વિદ્યાર્થીઓને ફાયદો થશે. કેયૂર રોકડિયાએ કહ્યું કે, બંને ટર્મની ફી અને ટ્યૂશન ફી સહિત સ્કૂલે વિદ્યાર્થીઓને આપવાની રિફંડની રકમ ૫૨ લાખ રૂપિયાની આસપાસ થશે.
હરણીમાં આવેલી ડીપીએસના ૨,૧૦૦ વિદ્યાર્થીઓ પાસેથી પણ ફી પેટે વધુ રકમ વસૂલાઈ હતી. ત્યારે નક્કી માળખા કરતાં વધારાની જે રકમ છે તે પરત ચૂકવવાનો આદેશ કરાયો છે. આ રકમ લગભગ ૨૮ લાખ જેટલી છે, તેમ કેયૂર રોકડિયાએ કહ્યું. તો સ્કૂલો એફઆરસીના આ નિર્ણય સામે રિવિઝન કમિટી અથવા કોર્ટમાં અરજી કરી શકે છે.