ગાંધીનગર : દેશમાં ૧૦ હજાર જેટલા મોટા માથાઓની જાસૂસી કરનાર ચાઈનીઝ કંપની સાથે ગુજરાત સરકાર દ્વારા એમઓયુ કરી કરોડો રૂપિયાના કોન્ટ્રાક આપ્યા હોવાનો ચોકવનારો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસનું માનવું છે કે, સરકારની ચાઈનીઝ કંપનીઓ સાથે વાઇબ્રન્ટ ગુજરાતના નામે સીધી સંડોવણી છે. ભારતના ઉચ્ચ હોદ્દા પર રહેલા નેતા અને અગ્રણીઓની જાસૂસી મામલે ગુજરાત કોંગ્રેસે સૌથી મહત્વપૂર્ણ અને મોટો ખુલાસો કર્યો છે.
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ દાવો કર્યો છે કે, જે કંપની ભારતની જાસૂસી કરવામાં જેની સંડોવણી છે તેવી ચીનની સેનઝાન ઇન્ફોટેક કંપનીએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકારની બેવડી નીતિ હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસનો દાવો છે કે, વર્ષ ૨૦૧૭માં ધોલેરામાં સ્માર્ટ સિટી અંતર્ગત ચીનની સેનઝાન કંપની સાથે રાજ્ય સરકારે એમઓયુ કર્યા હતા. તેવામાં આજ કંપની હવે ભારતની જાસૂસી કરતી હોવાનું સામે આવ્યું છે. માત્ર આટલું જ નહીં પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એમઓયુ થયા છે.
તેવામાં હવે એક તરફ ચીનનો બહિષ્કાર થઇ રહ્યો છે, તેવામાં શું આ એમઓયુના કરાર રદ કરાશે કે કેમ? તે સવાલ કર્યો છે. સાથે જ દેશ હિતની વિરુદ્ધ જઈ ભાજપ ચીન સાથે નિકટતા અને પ્રેમ દર્શાવવાનું બંધ કરે તેવી પણ માંગ કરી છે. મહત્વનું છે રાજ્ય સરકારની સીધી સંડોવણીની પોલ કોંગ્રેસ દ્વારા ખોલતા અનેક સવાલો સામે આવી રહ્યા છે. એક તરફ ચીની વસ્તુ ઓ અને એપ્લિકેશનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તેવામાં બીજી બાજુ ચાઈનીઝ કંપની સાથે જ કોરોડો રૂપિયાના એમઓયુ કરવામાં આવી રહ્યા છે.