સ્કૂલ ફી મુદ્દે કોંગ્રેસનું વિધાનસભામાંથી વૉકઆઉટ
સરકાર સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફીની જાહેરાત નહીં કરે તો કૉંગ્રેસ ગામડાઓ સુધી આંદોલન કરશેઃ ધાનાણી
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ત્રીજા દિવસે એટલે કે આજે કૉંગ્રેસ પાર્ટીએ ગૃહમાંતી વૉકઆઉટ કર્યું હતું. વિદ્યાર્થીઓની ફી માફી અને આત્મનિર્ભર ગુજરાત માટે સરકારે જાહેર કરેલા પેકેજમાંથી કેટલો ખર્ચ થયો તેની માહિતી આપવાની માંગણી સાથે કૉંગ્રેસના તમામ સભ્યો ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. વૉકઆઉટ બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મીડિયા સમક્ષ નિવેદન કરતા કહ્યુ હતુ કે, જો વિજય રૂપાણી સરકાર આ જ વિધાનસભા સત્રમાં વિદ્યાર્થીઓના એક સત્રની સંપૂર્ણ ફી માફીની જાહેરાત નહીં કરે તો કૉંગ્રેસ આ આંદોલનને ગામડે ગામડે લઈ જશે.
વિધાનસભામાંથી વૉકઆઉટ બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, “આજે વિધાનસભાની અંદર ટૂંકી મુદતના બે પ્રશ્ન દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ પ્રશ્ન એવો હતો કે ગુજરાત સરકારે જાહેર કરેલા ૧૪ હજાર કરોડના ’આત્મનિર્ભર ગુજરાત’ રાહત પેકજમાંથી કેટલી રકમ ખર્ચવામાં આવી અને કેટલા લોકોને તેનો લાભ મળ્યો? પરંતુ સરકારે આ પ્રશ્નનો જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કોરોનાની માહમારી વચ્ચે ગરીબો, શ્રમિકો, કુશળ કારીગરો, નિમ્ન વર્ગના લોકો, રિક્ષા, ટેક્સી, ટેમ્પા ચાલકો, બાંધકામ શ્રમિકોને કેટલી સહાય મળી તેનો જવાબ આવવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. ખરેખર આ રાહત પેકેજ નહીં પરંતુ પડીકું છે.”
પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, “ઇમરાન ખેડાવાલાનો બીજો પ્રશ્ન હતો કે કોરોના કાળમાં લોકોના ધંધા ઠપ થઈ ગયા છે, તેમજ અનેક લોકો બેકાર બન્યા છે ત્યારે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલોજેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓના ખિસ્સા ખાલી થઈ ગયા છે. છ મહિનાથી શાળા કૉલેજો બંધ છે. આ દરમિયાન અમુક શાળા માફિયાઓ ફી નહીં ભરો તો બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે. કૉંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી કે અમે વિદ્યાર્થીઓની એક સત્રની સંપૂર્ણ ફી માફી થાય તે માટે પ્રાયસ કરીશું. પરંતુ આ માટે પણ સરકારે વિધાનસભામાં નનૈયો ભણ્યો છે. ગુજરાતનું યુવાધન અંધકારમાં ન ધકેલાય તે માટે અમે સરકારને જગાડવા માટે વિધાનસભામાંથી વૉકઆઉટ કર્યું છે.