શ્રેય અગ્નિકાંડ મામલે કોંગ્રેસનાં તંત્રને તીખા સવાલો…
અમદાવાદ : અમદાવાદના શ્રેય અગ્નિકાંડમાં ૮ લોકોનાં મોત નિપજતાં આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. શ્રેય અગ્નિકાંડમાં હજુ સુધી ફરિયાદ પણ ન નોંધાતાં કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ગંભીર સવાલો સરકારને પુછ્યા છે. આ ઉપરાંત શ્રેય અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે.
અમદાવાદના કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ટ્વીટર પર એક વીડિયો શેર કરીને સરકારને વેધક સવાલો કર્યા હતા. વીડિયો શેર કરતાં ઈમરાન ખેડાવાલાએ લખ્યું કે, અમદાવાદ ના શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ માં ૮ લોકોના મૃત્યુ થયા ના ૩ દિવસ વીતી જતા હજુ પણ કોઈ એફઆઈઆર દાખલ થઈ નથી શુ સરકાર કોને બચાવવા માંગે છે ? મૃત્યુ પામેલા વ્યક્તિઓ ના પરિવારજનોને કોણ ન્યાય અપાવશે ? શુ સરકાર હાઈકોર્ટના ટકોર ની રાહ જોઈ રહીં છે ?
તો બીજી બાજુ શ્રેય અગ્નિકાંડનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે. અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ફાયર સેફ્ટીની અમલવારી બાકાત છે. તેમજ અગ્નિકાંડમાં નિર્દોષ લોકોનાં મોત માટે જવાબદાર સામે કાર્યવાહીની પણ માગ કરવામાં આવી છે.