મુંબઇ : ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન બેટ્સમેનોની વાત કરવામાં આવે તો કેપ્ટન વિરાટ કોહલી અને ટી-૨૦-વન-ડે ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા અલગ જ સ્તર પર છે. જો ભારતીય ક્રિકેટ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ પાંચ બેટ્સમેનોની વાત કરવામાં આવે તો મુકાબલો થોડો રસપ્રદ બને તે નિશ્ચિત છે. દરેકની પોતાની પસંદગી હોય છે પણ આ સવાલ રોહિત શર્માને પૂછવામાં આવ્યો તો તેણે તરત જ આ સવાલનો જવાબ આપ્યો હતો.
રોહિત શર્માને આ સવાલ ઇંસ્ટાગ્રામ લાઇવ ચેટ દરમિયાન ઓફ સ્પિનર હરભજન સિંહે પૂછ્યો હતો. જેના જવાબમાં રોહિતે જે પાંચ ખેલાડીઓના નામ આપ્યા છે તે તેમામ સાથે તે રમી ચૂક્યો છે. રોહિતે જે પાંચ સર્વશ્રેષ્ઠ ભારતીય બેટ્સમેનોના નામ લીધા હતા. તેમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ સામેલ છે. રોહિતની યાદીમાં દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર, ગુંડપ્પા વિશ્વનાથ, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીના નામ ન હતા.
રોહિત શર્માએ કહ્યું હતું કે જ્યારે હું યુવા હતો ત્યારે મેં સચિન પાજી સિવાય કોઈને જોયા નથી. આ પછી મેં બીજા ક્રિકેટરને ફોલો કરવાનું શરુ કર્યું હતું. જેમાં રાહુલ દ્રવિડનો સમાવેશ થાય છે. તેમણે ૨૦૦૨માં ઇંગ્લેન્ડની શ્રેણીમાં ઘણી સદી ફટકારી હતી. આ શ્રેણીમાં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ પછી વીરેન્દ્ર સેહવાગ છે, જે રીતે તે બેટિંગ કરતો હતો તેનાથી ઇનિંગ્સની શરુઆતમાં બોલરોનો અડધો આત્મવિશ્વાસ ખતમ થઈ જતો હતો. આ પછી આ યાદીમાં વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલીનું નામ લઇશ.