અમદાવાદમાં તકેદારીના ભાગરૂપે કર્ફ્યૂ લગાવાયો છે, લોકો માસ્ક પહેરે : રૂપાણી
હાલ પૂરતો કર્ફ્યૂ માત્ર અમદાવાદ શહેર પૂરતો, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છેઃ મુખ્યમંત્રી
અમદાવાદમાં કર્ફ્યૂ જાહેરાત સાથે જ લોકોની ભીડ ચારેબાજુ ઉમટી, કોરોના વિસ્ફોટ થવાની શક્યતા, સરકારે ૨૩ નવેમ્બરથી શાળા-કૉલેજો ખોલવાનો નિર્ણય મોકૂફ રાખ્યો…
અંબાજી/ગાંધીનગર : કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે અમદાવાદમાં તકેદારી રૂપે શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ અમદાવાદમાં કરફ્યુ લંબાશે તેવી દહેશતે ખરીદી માટે લોકોની ભીડ દેખાઈ રહી છે. બીજી બાજુ લોકોમુખે એવી ચર્ચા થઈ રહી છે કે અમદાવાદ બાદ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો કર્ફ્યુ લાદવામાં આવશે.
આ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટતા કરી કે ગુજરાતમાં લોકડાઉન લાગુ નહી થાય, માત્ર વિકેન્ડ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં તકેદારીના ભાગરૂપે વીક એન્ડમાં કરફ્યુ લાદ્યાનુ નિવેદન આપ્યુ છે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક આદ્યશક્તિ મા અંબેના દર્શન અને પૂજા અર્ચના નૂતન વર્ષ માં આજે કર્યા હતા. અંબાજીમાં મા અંબાના દર્શન બાદ તેમણે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે કોરોના સામે લડવા માટે સરકાર સજ્જ છે. સાથે જ લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરાઇ હતી. તો શાળાઓ શરૂ કરવાના મુદ્દે કહ્યુ હતુ કે આગામી બેઠકમાં હવે શાળાઓ ક્યારે શરૂ કરવી તેનો નિર્ણય લેવાશે. રાજ્યમા કોરોનાનુ સંક્રમણ વધ્યાનો તેમણે સ્વીકાર કર્યો હતો.
અમદાવાદમાં શનિવાર અને રવિવારે લાગનારા ૫૭ કલાકનો કર્ફ્યૂ માત્ર અમદાવાદ શહેર પૂરતો જ છે. રાજ્યના અન્ય તમામ શહેરોમાં રાબેતા મુજબ કાર્ય ચાલુ રહેશે. સતત ફેલાતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે દિવાળી દરમિયાન ખરીદી વખતે લોકોની બેદરકારી, કોરોના જેવું કંઇ છે નહીં તેવી અનેક લોકોની બેજવાબદાર માનસિક્તાને પગલે ગુજરાતમાં કોરોના વાયરસે માથું ઉંચક્યું છે અને દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતી સર્જાઇ રહી છે.
તહેવાર પછી ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા કોરાના વાયરસના સંક્રમણને અટકાવવા અનેક નિર્ણયો કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ ૨૩ નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે શાળાઓ-કૉલેજોને બંધ રાખવાનો નિર્ણય હાલની સ્થિતિને જોતા કર્યો છે. આગામી બેઠકમાં સમીક્ષા કરીને આગળની જાહેરાત કરીશું.
બીજી તરફ રવિવારે સીએની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની ચિંતા વધી છે. લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય સરકારે કર્યો છે. ૪૦૦ સેન્ટર પરથી ૪.૫ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા.