મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પોતની તપાસમાં ઘણા લોકોની પૂછપરછ કરી અને કેટલાકની અટકાયત કરી છે. રવિવારે લગભગ ૭ કલાકની પૂછપરછ બાદ એનસીબીએ ફરી એકવાર સોમવારે રિયા ચક્રવર્તીને તેમની ઓફિસે પૂછપરછ માટે બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે સોમવારે શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મીરાંડા અને દીપેશ સાંવતને સામે બેસાડીને રિયાની પૂછપરછ કરવામાં આવી શકે છે. એનસીબીની પૂછપરછના બીજા દિવસે રિયા ચક્રવર્તીએ ફરી એક વખત દાવો કર્યો છે કે તેણે સુશાંત માટે ડ્રગ્સ ખરીદ્યું હતું પરંતુ પોતે તેનો ઉપયોગ કર્યો નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે રિયા ચક્રવર્તીએ પૂછપરછના બીજા જ દિવસે બોલીવુડના કેટલાક મોટા લોકોનું નામ લીધું છે. એક મીડિયા અહેવાલ મુજબ, રિયાએ ખુલાસો કર્યો છે કે સુશાંતને ૨૦૧૬માં ડ્રગ્સની લત લાગી હતી. આ તે સમય હતો જ્યારે તે અભિષેક કપૂરની ફિલ્મ ‘કેદારનાથ’ માટે શૂટિંગ કરી રહ્યો હતો, જેમાં અભિનેતા સાથે સારા અલી ખાન પણ ડેબ્યુ કરી રહી હતી. રિયાએ એમ પણ ઉમેર્યું હતું કે સુશાંત જ્યારે ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યો હોય ત્યારે તેના કો-સ્ટારની સાથે ડ્રગ્સ લેતો હતો.
અહેવાલમાં એમ પણ ઉમેરવામાં આવ્યું છે કે સુશાંત જ તેને ડ્રગ્સને લગતા મેસેજ ટાઇપ કરવા માટે વોટ્સએપ પર મેસેજ મોકલતો હતો અને તે પણ સુશાંતનો જ આઈડિયા હતો કે ડ્રગ્સની ડિલિવરી તેના સ્ટાફ દ્વારા કરવામાં આવે. રિયાના દાવા મુજબ, કોઈને ખબર નહોતી કે તે ડ્રગ્સની ખરીદી કરે છે. સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાય મેળવવાના અભિયાનને ટેકો આપી રહેલી કંગના રનૌત આ પહેલા પણ પોતાના ટિ્વટ્સથી બોલિવૂડ સેલેબ્સનો પર નિશાન સાધી રહી છે. કંગનાના મતે પોતે બોલીવુડના ડ્રગ્સ એબ્યુઝની ફર્સ્ટ હેન્ડ સાક્ષી છે અને તેમાં સામેલ લોકોના નામ જાહેર કરી શકે છે.