દિલ્હીમાં કોરોના કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી, સિસોદિયાના નિવેદથી ડર ઉભો થયો…
પાકિસ્તાન-ચીનને ખુશ કરતા નિવેદનો ન આપવા જોઈએ,વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં બંને યુદ્ધ જીતીશું,સાચાને ખોટી રીતે જોવા કોંગ્રેસનું કામ…
ન્યુ દિલ્હી : લદ્દાખ ચીન સાથે સીમા વિવાદ પર ગૃહ મંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. શાહે રાહુલના ‘સરેન્ડર’મોદી વાળા ટિ્વટ અંગે કહ્યું કે, પાર્લામેન્ટ શરૂ થશે, ચર્ચા કરવી હોય તો આવજો.૧૯૬૨થી આજ સુધીના મુદ્દે ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ. કોઈ ચર્ચાથી ડરતું નથી. પરંતુ જવાન સરહદ ઉપર સંઘર્ષ કરી રહ્યા હોય અને સરકાર ઠોસ પગલા ભરી રહી હોય, ત્યારે પાકિસ્તાન અને ચીન ખુશ થાય તેવા નિવેદનો ન આપવા જોઈએ.
અમિત શાહે ઈન્ટરવ્યુમાં ભારત-ચીન સરહદ વિવાદ, દેશ અને દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પાર્ટી ભાજપ ઉપર લોકશાહી ખતમ કરવાનો આરોપ લગાવી રહી છે. તેના ઉપર શાહે કહ્યું કે લોકશાહી શબ્દનો અર્થ ઘણો વિસ્તૃત છે. અનુશાસન અને આઝાદી તેના મૂલ્ય છે. અડવાણીજી, રાજનાથજી, ગડકરીજી અને ફરી રાજનાથજી પાર્ટીના અધ્યક્ષ બન્યા. હવે નડ્ડાજી અધ્યક્ષ છે. શું આ બધા એકજ પરીવારના છે? ઈન્દિરાજી પછી કોંગ્રેસના અધ્યક્ષ ગણાવો કે ગાંધી પરીવાર બહારથી કોણ આવ્યું? તેઓ લોકશાહીની શું વાત કરશે?
સરકાર ભારત વિરોધી પ્રોપેગેંડા સામે લડવામાં સક્ષમ છે, પણ આવું જોઈને દુઃખ થાય છે કે આવડી મોટી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આવું ગંદુ રાજકારણ કરે છે. સરેન્ડર મોદી વાળા ટિ્વટ અંગે તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને રાહુલે પોતાના વિશે વિચારવું જોઈએ. તેમની આ વાતને પાકિસ્તાન અને ચીનમાં લોકો હેશટેગ લગાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી રહ્યા હતા. કોંગ્રેસે આ વિશે વિચારવું જોઈએ કે તેમની પાર્ટીના નેતાના નિવેદનોથી ચીન-પાકિસ્તાનને પ્રોત્સાહન મળે છે, એ પણ આવા સંકટના સમયમાં.
સરકાર કોરોના વિરુદ્ધ લડાઈ લડશે. હું રાહુલ ગાંધીને સલાહ ન આપી શકું, આ તેમની પાર્ટીના નેતાઓનું કામ છે. ઘણા વોકોની વક્રદ્રષ્ટી હોય છે. એ લોકો સાચાને પણ ખોટી રીતે જુએ છે. ભારત કોરોના સામે ઘણી સારી રીતે લડી રહ્યો છે. આપણા કોરોનાના આંકડા દુનિયાના અન્ય દેશો કરતા સારા છે.
દિલ્હીમાં હજુ સુધી કોરોના કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું. શાહે કહ્યું કે તેમણે આ વિશે દેશના ત્રણ વરિષ્ઠ ડૉક્ટરો સાથે વાત કરી છે અને તમામનું માનવું છે કે દિલ્હીમાં કોરોના કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું.
તેમણે કહ્યું કે, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નિવેદનથી ડર ઉભો થયો છે કે દિલ્હીમાં જુલાઈના અંત સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫.૫ લાખને પાર થઈ જશે. શાહે કહ્યું કે આ નિવેદન બાદ વડાપ્રધાન મોદીએ તેમને દિલ્હીની મદદ કરવા માટે જણાવ્યું હતું. દિલ્હીમાં કોરોનાના પ્રકોપને રોકવા માટે ઘણાં પગલા ઉઠાવવામાં આવ્યા છે. હવે આજ મોડલ એનસીઆરમાં લાગુ કરવામાં આવશે. શાહે કહ્યું કે આ અંગે તેઓ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ સાથે વાત કરવાના છે.