“કહી પે નિગાહે – કહી પે નિશાના” ખેડૂત આંદોલન ખેડૂતોના નામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને બદનામ કરવાનું ષડયંત્ર છે : મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
- MSP થી ખેડૂતોની ઉપજની ખરીદી, APMC ની વ્યવસ્થા ચાલુ છે અને આગળ પણ ચાલુ જ રહેશે…
- કોંગ્રેસ દ્વારા એક બાજુ તેમના ચૂંટણી ઢંઢેરામાં કૃષિ બીલ સુધારાની તરફેણ કરી હતી જયારે બીજી તરફ સત્તા ના મળતાં વિરોધ કરીને ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે…
- વડાપ્રધાનશ્રીએ કૃષિ સુધાર બીલમાં કોન્ટ્રાકટ ફાર્મિંગને મંજૂરી આપી તો હવે કોંગ્રેસ શાનો વિરોધ કરે છે ?
- કોંગ્રેસમાં હિંમત હોય તો રાજસ્થાનમાં ૦ (શૂન્ય) ટકા વ્યાજે ખેડૂતોને પાક ધિરાણ અપાવે
- ભૂતકાળમાં મધ્યપ્રદેશમાં કમલનાથની સરકારે ખેડૂતોના કેટલાં દેવા માફ કર્યા તેનો હિસાબ ગુજરાતની કોંગ્રેસ આપે.
- કોંગ્રેસ અને વિપક્ષો ખેડૂતાના નામે દેશમાં અરાજકતા ઉભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
- ભારત માતા જગતજનની બને અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે ત્યારે વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે.
આણંદ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, દેશના ખેડૂતોની વર્ષ ૨૦૨૨માં આવક બમણી કરવાના નિર્ધાર સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગળ વધી રહ્યા છે એ જાણીને વિપક્ષ ડઘાઇ ગયો છે અને બે બુનિયાદી નિવેદનો થકી ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે એ તદ્દન ગેરવ્યાજબી છે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારે કૃષિ બીલમાં કરેલા સુધારાઓ ખેડૂતોના આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે એવો મને દ્રઢવિશ્વાસ છે.
મુખ્ય મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ આંદોલન માત્ર નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિય સરકારને બદનામ કરવા માટે ખેડૂતાના નામે ચાલી રહ્યું છે. કોંગ્રેસ અને વિપક્ષો ખેડૂતાના નામે દેશમાં અરાજકતા ઉભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. એટલે આ આંદોલન “કહી પે નિગાહે – કહી પે નિશાના” એટલે કે ખેડૂતોના નામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને બદનામ કરવાનું ષડયંત્ર છે.
મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે આણંદ જિલ્લાના કરમસદ ખાતે આણંદ-ખેડા-વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે યોજાયેલ કૃષિ સુધાર બીલ-૨૦૨૦ જનજાગરણ અભિયાનમાં ખેડૂતોને સંબોધતા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત માતા જગતજનની બને અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે ત્યારે વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે. અને વારંવાર આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરવા છતાં દેશ વિરોધી તત્વો દેશમાં અસ્થિરતા અને અરાજકતા સર્જવાના પ્રયત્નો કરી રહ્યા છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડૂતોના નામે કોંગ્રેસે વર્ષો સુધી રાજનીતિ કરી ખેડૂતોને વ્યાજના ચૂંગાલમાં ફસાવ્યા એટલું જ નહીં પણ ખેતી નિષ્ફળ જતા ખેડૂતોને આપઘાત કરવા પડયા, ગામડાંઓ તૂટતાં ગયા તેના મૂળમાં કોંગ્રેસીઓ અને વિરોધ પક્ષની સરકારો છે. ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર સરકારે લીધેલાં નિર્ણયોમાં વિરોધીઓ હવનમાં હાડકાં નાંખી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે ખેડૂતોના હિતનું આ કામ ૨૫ થી ૩૦ વર્ષ પહેલાં થવું જોઇતું હતું તે થયું નહીં અને કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીની સરકારે ખેડૂતોના હિતના પગલાં લીધા જે વિરોધીઓને ખૂંચી રહ્યા છે. નરેન્દ્રભાઇ મોદીની સરકારે છેલ્લા છ (૬) વર્ષમાં ચૂંટણી ઢંઢેરામાં આપેલાં રામ મંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી, ત્રિપલ તલ્લાક તેમજ અન્ય દેશોમાં વસતા લઘુમતીઓની દેશમાં નાગરિકતા આપવાનું વચન પુરૂં કર્યું છે એટલું જ નહીં ખેડૂતોને ટેકાના ભાવ આયુષમાન ભારત હેઠળ નાગરિકોને આરોગ્ય સુરક્ષા કવચ પુરૂં પાડયું છે જેના પરિણામે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએખેડૂતોનીઉપજવધે, યોગ્ય બજાર ભાવ મળે અને ઉત્પાદિત પાકની ખરીદી માટે ઐતિહાસિક નિર્ણય થકી કૃષિ બીલમાં સુધારાઓ કરી એક દેશ એકબજારનો અભિગમ અપનાવ્યો છે. ત્યારે વિપક્ષે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઇએ.
તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ દ્વારા એક બાજુ તેમના ચૂંટણી ઢંઢેરામાં કૃષિ બીલ સુધારાની તરફેણ કરી હતી જયારે બીજી તરફ સત્તા ના મળતાં વિરોધ કરીને ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ કયા પ્રકારનો ખેડૂત પ્રેમ છે એ સમજાતું નથી. દિલ્હી ખાતે કેટલાક વિઘટનકારી તત્વો ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પરંતુ ખેડૂતોની શંકા કુશંકાના સમાધાન માટે કેન્દ્ર સરકારનું મન હંમેશા ખુલ્લું છે એવું વડાપ્રધાનશ્રીએ કહ્યું છે એટલે ખેડૂતોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ખેડૂતો માટે સરકારનું મન હંમેશા ખુલ્લું છે. એમની સરકાર હતી તો કેમ એમણે આ કામ ન કર્યું ? અમારી સરકારે તો અનેકવિધ હિંમતભર્યા નિર્ણયો કરીને ખેડૂતોના પડખે ઉભા રહ્યા છીએ એટલે જ દેશના ખેડૂતોના આશીર્વાદ અમારી સાથે છે અને એમની શંકાનું સમાધાન કરીશું જ એવો ખેડૂતોને વિશ્વાસ છે એટલે ખેડૂતો અમારી સાથે જ છે.
મુખ્ય મંત્રીશ્રીએ ભૂતકાળમાં કોંગ્રેસ શાસનના રાજયમાં ખેડૂતોને ૧૮ ટકા વ્યાજે પાક ધિરાણ મળતું હતું. અમારી સરકાર ખેડૂતોને માત્ર ૦ (શૂન્ય) ટકા વ્યાજે ખેડૂતોને પાક ધિરાણ આપે છે. કોંગ્રેસમાં હિંમત હોય તો રાજસ્થાનમાં ૦ (શૂન્ય) ટકા વ્યાજે ખેડૂતોને પાક ધિરાણ અપાવે એટલું જ નહીં ભૂતકાળમાં મધ્યપ્રદેશમાં કમલનાથની સરકારે ખેડૂતોના કેટલાં દેવા માફ કર્યા તેનો હિસાબ ગુજરાતની કોંગ્રેસ આપે એવો ખૂલ્લો પડકાર તેમણે ફેંકયો હતો.
કેન્દ્રની ભાજપ સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજના હેઠળ રૂા. ૬ (છ) હજાર ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા જમા કરાવે છે. આમ દર વર્ષે કેન્દ્ર સરકાર રૂા. ૭૫૦૦૦ હજાર કરોડ ખેડૂતોના ખાતામાં સીધેસીધા જમા કરાવે છે. આગામી તા. ૨૫ ડિસેમ્બર અટલ બિહારી વાજપાઇના જન્મદિને દરેક ખેડૂતના ખાતામાં રૂા. બે હજારનો હપ્તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જમા કરાવશે.
કોંગ્રેસે સ્વામીનાથન સમિતિનો રીપોર્ટ આઠ (૮) વર્ષ સુધી દબાવી રાખ્યો એટલું જ નહીં સરદાર સરોવર ડેમના દરવાજા બેસાડવાની મંજૂરી પણ સાત (૭) વર્ષ સુધી કેમ લટકાવી રાખી તેનો જવાબ કોંગ્રેસ આપે. પંજાબમાં કોંગ્રેસની સરકારે કોન્ટ્રાકટ ફાર્મિંગ અંગે કંપનીઓને જાહેર મંચ પરથી મંજૂરીઓ આપી છે તો હવે વડાપ્રધાનશ્રીએ કૃષિ સુધાર બીલમાં કોન્ટ્રાકટ ફાર્મિંગને મંજૂરી આપી તો હવે કોંગ્રેસ શાનો વિરોધ કરે છે ?
કોંગ્રેસના મોંઢે ખેડૂતોના હિતની વાત શોભતી નથી તેમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં તમારી સરકારે ગાંધીનગરમાં ખેડૂતોને ગોળીએ ધરબ્યા હતા જેની ખાંભીઓ આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઊભી છે.
મુખ્ય મંત્રી શ્રી એ ઉમેર્યું કે, એક દેશ એક બજારના નિર્ણયથી સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂત દેશના કોઇપણ APMC માંથી ખરીદી કે વેચી શકશે, APMC બંધ થશે એ વાત તદ્દન ખોટી છે. APMC ચાલુ જ રહેશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોનું ભવિષ્ય જોઇને આ કાયદો લાવ્યા તે આગામી વર્ષોમાં મહત્વનો પુરવાર થશે. ખેડૂતોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળે એ માટે તેમણે દ્વાર ખોલી દીધા છે.
તેમણે ઉમેર્યું કે આ નવા કાયદાથી ટેકાના ભાવે ખરીદી બંધ થશે એ વાત તદ્દન ખોટી છે. ટેકાના ભાવે ખરીદી તો ચાલુ જ રહેશે પરંતુ જે ખેડૂતો ટેકનોલોજીથી માલ ખરીદ કે વેચાણ કરશે એટલે ઊંચા ભાવ મળવાના જ છે.
UPA સરકારમાં જે ટેકાના ભાવે ખરીદી થતી હતી તે ભાવોમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે વધારો કર્યો છે અને ખરીદી પણ વધુ કરી છે.
તેમણે કહ્યું કે અમે કોંગ્રેસની જેમ ખેડૂતો જોડે રાજકારણ કરીએ તેવા નથી, અમે ખેડૂતોને સાચી દિશા બતાવવા માંગીએ છીએ. ખેડૂતોનો વોટબેંકની જેમ ઉપયોગ ન કરો. તેમના હિતની વાત હોય ત્યારે તેમની પડખે ઊભા રહો. આ વિધેયક પસાર કરવું તે ખરેખર ઐતિહાસિક નિર્ણય સાબિત થશે જે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં પણ મહત્વપૂર્ણ પૂરવાર થશે.
મુખ્ય મંત્રી શ્રી એ ઉમેર્યું કે, ૨૦૦૪માં બનાવવામાં આવેલા સ્વામીનાથન આયોગના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા, ૧૦ વર્ષ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી પણ તેમણે આ અંગે કંઈ ન કર્યું અને આજે દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકીય ઇચ્છાશક્તિ દાખવી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ કૃષિ સુધારાઓ થકી એક સૂચક પગલું ભર્યું છે.
આ કૃષિ સુધારા બિલ અંગે રાજકીય વિરોધીઓ દ્વારા એવું કહી દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે , તેના અમલથી કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોની જમીન વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વેચી રહી છે , પરંતુ તથ્ય એ છે કે , આ બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી ખેડૂત પોતાની જમીન ઉપર ઉગનારી પેદાશના ભાવ અંગેનો કરાર વેપારી કે કંપની સાથે કરી કાયદાકીય સુરક્ષા સાથે વધુ સારું આર્થિક ઉપાર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
કોંગ્રેસ સહિતના રાજકીય વિરોધીઓ ટેકાના ભાવ (MSP) થી ખેડૂતોની પેદાશોની ખરીદી કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા બંધ કરી રહી છે તેવો દુષ્પચાર કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કૃષિ સુધારા બિલને MSP સાથે કોઈ જ લેવાદેવા નથી. MSPથી ખેતપેદાશો ની ખરીદી થઈ રહી છે, અને આગળ પણ થતી રહેશે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં, ચણા દાળ, મસૂર, રાઈ, તેલીબિયાં સહિતના રવિ પાકના MSP-ટેકાના ભાવમાં કરાયેલો વધારો કેન્દ્ર સરકાર ટેકાના ભાવથી ખેતપેદાશોની ખરીદી બંધ કરી રહી છે તેવો અપપ્રચાર કરનાર કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોને જડબાતોડ જવાબ છે તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસના શાસનમાં અનાજની MSP રૂ . ૧૩૧૦, જુવારની રૂ .૧૫૨૦, મસૂર દાળની રૂ ૨૯૫૦ , તુવેરદાળ રૂ .૪૩૦૦ અને મગ દલ રૂ.૪૫૦૦ પ્રતિ કવિન્ટલ હતી જેની સામે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં અનાજની MSP રૂ .૧૮૭૦ , જુવારની રૂ .૨૬૪૦, મસૂર દાલ રૂ.૫૧૦૦,તુવેર દાળ રૂ .૬૦૦૦, મગદાળ રૂ.૭૨૦૦ પ્રતિ કવિન્ટલ છે. કોંગ્રેસના શાસનમાં માત્ર ૧૭૦૦ લાખ ક્વિન્ટલ ખરીદી MSP થી થઇ હતી જ્યારે ભાજપ સરકારે ૩૦૦૦ લાખ ક્વિન્ટલની વિક્રમજનક ખરીદી MSP થી કરી છે. કેન્દ્ર સરકારે છેલ્લાં પાંચ (૫) વર્ષમાં ખેડૂતોના હિતમાં જુદાં-જુદાં પાકોની MSP માં અંદાજીત ૪૦ ટકા જેટલો વધારો કર્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન વ્યવસ્થામાં દેશભરના ખેડૂતો પોતાના વિસ્તારની આસપાસની સ્થાનિક એપીએમસીમાં પોતાની પેદાશનું વેચાણ કરે છે, એપીએમસી સુધારા બિલ દ્વારા દેશના કરોડો ખેડૂતો સ્થાનિક એપીએમસી સહિત દેશભરમાં જે કોઈપણ સ્થળે તેમને વધુ અને યોગ્ય ભાવ મળતો હોય તે વેપારીને ખેત પેદાશ વેચી શકશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા આ કૃષિ સુધારાઓનો એકમાત્ર ઉદ્દેશ આપણા અન્નદાતા એવા દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો , તેમની આવક બમણી કરવાનો છે , કૃષિ સુધારા બિલમાં ફક્ત અને ફક્ત ખેડૂતોના હિતોની વાત છે, તેમાં એક પણ બાબત એવી નથી કે જેનાથી ખેડૂતને નુકસાન વેઠવું પડે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી , ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ , કૃષિમંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ અન્ય વરિષ્ઠ મંત્રીઓએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે , MSP થી ખેડૂતોની ઉપજની ખરીદી , APMC ની વ્યવસ્થા ચાલુ છે અને આગળ પણ ચાલુ જ રહેશે .
કેન્દ્રની ભાજપા સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મને વાતચીત કરી કૃષિ સુધારાઓ અંગે રહેલી તમામ શંકાઓને દૂર કરવા તૈયાર છે. આજે ખેડૂતોને હાથો બનાવીને કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો ખેડૂતોને ભ્રમિત કરી નિમ્નસ્તરનું રાજકરણ કરી રહ્યાં છે, ખેડૂતોનું અહિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હૈયે સદાયે ખેડૂતોનું હિત વસેલું છે, તેમના દ્વારા લેવાયેલું એક એક પગલું ખેડૂતોના ઉત્થાન માટે છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત અને દેશના અન્ય રાજ્યના કિસાનો ખેડૂતવિરોધી તત્વોના ભ્રામક અપપ્રચારમાં આવશે નહિ.
રાજયકક્ષાના મંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતોને ટ્રેક્ટર, રોટાવેટર જેવા અત્યાધુનિક સાધનો ખરીદવા અને ડ્રીપ ઈરીગેશન, બાગાયત ખેતી માટે ઘણી સહાય આપવામાં આવે છે. તાજેતરમાં ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા ખેડૂત કલ્યાણના સાત પગલાં અંતર્ગત ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સાત યોજના અમલમાં મૂકી છે. ઉપરાંત ખેડૂતોને ખોટી રીતે પ્રતાડીત કરતાં અને ખેડૂતોની જમીન પચાવી પાડનાર ભૂમાફિયા સામે કડક પગલાં ભરવા રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ઘડ્યો છે. જેનાથી અસામાજિક તત્વોના હાથમાં જતી ખેડૂતોની જમીનને સંરક્ષણ મળશે.
આ પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, ખંભાતના ધારાસભ્ય શ્રી મયુરભાઇ રાવલે કૃષિ સુધાર બીલ અંગે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપી હતી.
પ્રારંભમાં આણંદ જિલ્લા ભા.જ.પા. પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલે સૌને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે અંતમાં મહેમદાવાદના ધારાસભ્ય અને ખેડા જિલ્લા ભા.જ.પા. પ્રમુખ શ્રી અર્જુનસિંહ ચૌહાણે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી રમણભાઇ સોલંકી, શ્રી નીરવભાઇ અમીન, અને મયુરભાઇ સુથારે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારને સ્મૃતિચિહન અર્પણ કર્યું હતું.
આ સંમેલનમાં છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, ધારાસભ્યો સર્વ શ્રી ગોવિંદભાઇ પરમાર, અભેસિંહ તડવી, કેતન ઇનામદાર, કેસરીસિંહ સોલંકી, શંકરભાઇ રાઠવા, પૂર્વ સાંસદ શ્રી દિપકભાઇ પટેલ અને દિલીપભાઇ પટેલ, ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, વડોદરા જિલ્લા ભા.જ.પા. પ્રમુખ શ્રી અશ્વિનભાઇ પટેલ અને છોટાઉદેપુર ભા.જ.પા. પ્રમુખ શ્રી રશ્મિકાંતભાઇ વસાવા સહિત સંગઠનના પદાધિકારીઓ અને આણંદ-ખેડા-વડોદરા-છોટાઉદેપુરના ખેડૂતો હાજર રહ્યા હતા.
- Jignesh Patel, Anand