Charotar Sandesh
ગુજરાત

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં ‘મોઢેરાનું સૂર્યમંદિર’ જોવા મળશે…

ટેબ્લો સાથે ૧૨ મહિલા કલાકારો ટિપ્પણી નૃત્ય પ્રસ્તુત કરશે…

ગાંધીનગર : નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયસમા મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવી છે. લગભગ ૬૦ જેટલા કલાકારોએ ત્રણ મહિનાની મહેનતથી આ ટેબ્લોને સજાવ્યો છે. દર વર્ષે ૨૬ મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ટેબ્લોની પરિકલ્પના અને પ્રસ્તુતિ કરાય છે.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે સોલંકી રાજવંશના રાજા ભીમદેવ (પહેલા)એ આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં ૧૦૨૬-૨૭માં આ સૂર્યમંદિર બંધાવ્યું હતું. જેનું નિર્માણ ઓરિસ્સાના કોણાર્ક સૂર્યમંદિર કરતાં પણ અગાઉ થયું હોવાનું મનાય છે.મરુ-ગુર્જર શૈલીના આ મંદિર પરિસરમાં ગર્ભગૃહ, સભામંડપ અને સૂર્યકુંડ મુખ્ય છે. પથ્થરોમાં જાણે કવિતા કંડારેલી હોય એવા આ સ્થાપત્યના સુપ્રસિદ્ધ સભામંડપમાં વર્ષના ૫૨ સપ્તાહના પ્રતિક સમા ૫૨ નકશીદાર સ્તંભો છે.જેના પર રામાયણ, મહાભારત અને કૃષ્ણલીલાના દૃશ્યોની કોતરણી છે. ટેબ્લોના મુખ્ય ટ્રેલર ભાગમાં વિશાળ સભામંડપ શોભાયમાન છે. જ્યારે ટ્રેક્ટર પાર્ટમાં કીર્તિતોરણ જેવા બે સ્તંભ દર્શાવવામાં આવ્યા છે.
ટેબ્લો પર અગ્રણી શિલ્પકારોએ ફાઇબર કાસ્ટિંગથી સુર્યમંદિરનું હૂબહુ નિર્માણ કર્યું છે. પથ્થર જેવી પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે ધોલપુર સ્ટોન ટેક્ષ્ચર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ન્ઈડ્ઢ ફ્લડ લાઈટ્‌સથી ટેબ્લો પરનું સૂર્યમંદિર દૈદીપ્યમાન છે. મોઢેરાના સૂર્યમંદિરના ટેબ્લો સાથે ૧૨ મહિલા કલાકારો ટિપ્પણી નૃત્ય પ્રસ્તુત કરશે. પરંપરાગત જીમી પહેરવેશમાં સજ્જ આ ગુજરાતી બહેનોની ટિપ્પણીના ટાપથી રાજપથ ગાજી ઉઠશે. આ ટિપ્પણી નૃત્ય માટે ખાસ ગીતનું આલેખન કરવામાં આવ્યું છે. “સૂર્યદેવના તેજ છે અદકેરાં, હેંડોને જઇએ સૌ મોઢેરા…” એવા શબ્દોથી સમગ્ર વિશ્વના પ્રવાસીઓને ગુજરાતના મોઢેરા પધારવાનું આહ્‌વાન કરવામાં આવ્યું છે.

Related posts

ગુજરાતમાં નીટની પરીક્ષા પણ મોડી લેવાશે…

Charotar Sandesh

પીએમ મોદી ૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સફારી પાર્કનું ઉદ્ઘાટન કરશે…

Charotar Sandesh

ભાજપને ફટકો : બે બેઠકોમાં જીત, બે કોંગ્રેસે જીતી : બેમાં કોંગી આગળ

Charotar Sandesh