Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

મલેશિયા મોકલવાની લાલચ આપી ૩પ લાખની ઠગાઈ કરનાર ચાર આરોપીઓની કરાઈ ધરપકડ…

વિદેશ ઉપરાંત પૈસાનો વરસાદ વરસાવવાની લાલચ આપનાર ચાર શખ્સોને ઝડપી પાડતી ખંભાત ગ્રામ્ય પોલીસ…

આણંદ : જિલ્લાના ખંભાત તાલુકાના તામસા ગામના એક યુવાનને ચાર શખ્સોએ મળી મલેશીયા મોકલી નોકરી અપાવવાની તેમજ પૈસાનો વરસાદ કરવાની લાલચ આપી રૂ. ૩પ લાખનો ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ ખંભાત ગ્રામ્ય પોલીસ ખાતે નોંધાવવા પામી હતી. આ બનાવમાં આજરોજ ખંભાત ગ્રામ્ય પોલીસે ઠગાઈ કરનાર ચાર શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાત તાલુકાના તામસા ગામ ખાતે રાજપૂત ફળીયામાં વિક્રમભાઈ દિપસિંહ વણકર પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ અવાર-નવાર કામકાજ અર્થે તારાપુર ખાતે આવતા હતા. દરમ્યાન થોડા સમય પૂર્વે તેઓ આશીષ ભટ્ટ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા હતા. બાદમાં તેઓ માતર તાલુકાના હાડવા ગામના રાજુભાઈ શેખ સાથે પરિચયમાં આવ્યા હતા. દરમ્યાન રાજુભાઈએ વિક્રમભાઈને મારી પાસે એક બાપુ છે જે પૈસાનો વરસાદ કરાવે છે તેમ ફોન મારફતે જણાવ્યું હતું. તમારે જો પૈસાનો વરસાદ કરાવવો હોય તો મને કહેજો તેમ જણાવતા વિક્રમભાઈ લાલચમાં આવી ગયા હતા અને રાજુભાઈ શેખને સંમતિ દર્શાવી હતી. જેથી રાજુભાઈએ તેઓની અમીનભાઈ સાથે મુલાકાત કરાવી હતી અને કરોડો રૃપિયાનો વરસાદ કરાવવા માટે વિધિ કરવી પડશે અને એના માટે રૃપિયાની જરૃર પડશે તેમ જણાવતા વિક્રમભાઈએ તેઓને રૃ.૪.૫૦ લાખ આપ્યા હતા. ત્યારબાદ આશીષભાઈ પિયુષભાઈ ભટ્ટ, રાજુભાઈ શેખ, અમીન અબ્દુલભાઈ શમા અને અબ્દુલભાઈ શમાએ વિક્રમભાઈના પુત્રને મલેશીયા નોકરી અર્થે મોકલવાનું જણાવી રૃ.૧૧ લાખ લીધા હતા. બાદમાં આશીષભાઈ ભટ્ટે ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખ હોવાનું જણાવી વિક્રમભાઈના દિકરાને સીબીઆઈમાં નોકરી અપાવવાની લાલચ આપી રૃા.૧૫ લાખ લીધા હતા. આમ, અલગ-અલગ કામ મળી આશરે ૩૫ લાખ રૃપિયાની માતબર રકમ વિક્રમભાઈ પાસેથી લઈ કામ કર્યા ન હતા. જેથી વિક્રમભાઈએ કામ અંગે પુછપરછ કરી નાણાં પરત માંગણી કરતા ચારેય શખ્શોએ નાણાં પરત નહી મળે તેમ જણાવતા વિક્રમભાઈને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આથી તેઓએ આશીષભાઈ સહિતના સાગરીતો સામે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ હતી.

જેમાં આજરોજ ખંભાત ગ્રામ્ય પોલીસે ઠગાઈ કરનાર આશીષ પિયુષભાઈ ભટ્ટ (રહે.આણંદ, મૂળ સુરેન્દ્રનગર), રાજુભાઈ લાલુભાઈ શેખ (રહે. હાડેવા ગામ, તા.માતર), આમીનભાઈ અબ્દુલભાઈ શમા અને અબ્દુલભાઈ શમા (બંને રહે.ડુંગરપુર, પાલીતાણા) નાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ જિલ્લામાં છ જેટલા સેન્ટરો ઉપર કોરોના વેકસીન કોવીશીલ્ડ આપવાનો પ્રારંભ થયો…

Charotar Sandesh

આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલ નેશનલ લોક અદાલતમાં ૫,૬૬૩ કેસોનો સુખદ નિકાલ

Charotar Sandesh

નડિયાદની હોસ્પિટલમાંથી વધુ ૬ ને રજા સાથે કુલ ૪૧ દર્દી સ્વસ્થ થયા, ૧૮ સારવાર હેઠળ..

Charotar Sandesh