Charotar Sandesh
ઈન્ડિયા

મુંબઇમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : અનેક વિસ્તારો જળબંબાકાર : લોકલ ટ્રેન સેવા બંધ…

ભારે વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા…
મુંબઈ પાણી-પાણી, રોડ-રસ્તાથી લઇને રેલ્વે ટ્રેક પાણીમાં ગરકાવ, ટ્રેક પર પાણી ભરાઇ જતાં લોકલ ટ્રેન સેવા બંધ કરાઇ, એલર્ટ જારી, ૨-૩ દિવસમાં ગુજરાત સહિત ૧૪ રાજ્યમાં ભારે વરસાદનાં એંધાણ…

મુંબઇ : મુંબઈમાં સમય પહેલા જ ચોમાસું શરૂ થઈ ગયું છે. ચોમાસાના આગમન સાથે જ મુંબઈમાં ખતરાની ઘંટડી પણ વગાડી દેવામાં આવી છે અને બુધવારે મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે શહેરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે જ દરિયામાં હાઈ ટાઈડ ઉઠવાનું પણ અનુમાન છે. હવામાન વિભાગે ૧૧ઃ૪૩ કલાકે હાઈ ટાઈડની આશંકા વ્યક્ત કરી છે. તે સમયે દરિયામાં ૪.૧૬ મીટરની ઉંચાઈ સુધીની લહેરો ઉઠી શકે છે. આ કારણે સાવચેતીના પગલારૂપે દરિયા કિનારાના વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને અનેક ટીમો મોનિટરિંગ પણ કરી રહી છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે પૂર્વીય એકસપ્રેસ હાઇવે-ચેમ્બુર ઉપર ટ્રાફિક જામ સર્જાયો છે. વાહનોની લાંબી લાઇનો થઇ ગઇ છે.
આઈએમડી મુંબઈના ઉપ મહાનિદેશક ડૉ. જયંત સરકારે ચોમાસું મુંબઈ પહોંચી ગયું હોવાની માહિતી આપી હતી. ચોમાસું ૧૦ તારીખે મુંબઈ પહોંચવાનું હતું પરંતુ આ વખતે ચોમાસાનું આગમન એક દિવસ વહેલું થયું છે. તેના પહેલા મંગળવારે પ્રી-મોનસૂન વરસાદે મુંબઈને પાણી-પાણી કરી નાખ્યું હતું. અનેક વિસ્તારોમાં રસ્તા જળમગ્ન થઈ ગયા હતા જેથી પરિવહનને પણ મુશ્કેલી નડી હતી. મુંબઈ હિંદમાતા ખાતે રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
મુંબઈમાં રેલવે ટ્રેક પણ જળમગ્ન થઈ ગયા છે જેથી લોકલ ટ્રેન સર્વિસ પર પણ અસર પડી છે. લોકોને વરસાદ અને તેના કારણે સર્જાતી મુશ્કેલીઓમાં મદદ કરવા માટે એમએમઆરડીએ દ્વારા ૨૪ કલાક કાર્યરત ઈમરજન્સી મોનસૂન નિયંત્રણ કક્ષ સ્થાપિત કરવામાં આવ્યો છે. તે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ૮૬૫૭૪૦૨૦૯૦ મોબાઈલ નંબર અને ૦૨૨૨૬૫૯૪૧૭૬ લેન્ડલાઈન નંબર પર કોલ કરીને મદદ માટે અપીલ કરી શકશે.
મહારાષ્ટ્રના થાણે જિલ્લા પ્રશાસને ક્ષેત્રમાં ચોમાસાની શરૂઆતને ધ્યાનમાં રાખીને લોકોને ઝરણા, સરોવર અને બંધ પાસે ભેગા થવા પર પ્રતિબંધ મુકી દીધો છે. કેટલાક ખતરનાક સ્થળોની યાદી જાહેર કરીને લોકોને ચોમાસા દરમિયાન ત્યાં ન જવા કહેવામાં આવ્યું છે. થાણે તાલુકામાં યેયૂર, કલવા, મુંબ્રા, રેતીબંદર, ગૈમુખ અને ઉત્તાન દરિયા કિનારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Related posts

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો

Charotar Sandesh

કોરોનાએ ૩ મહિનાનો રેકોર્ડ તોડ્યો, ૨૪ કલાકમાં ૨૮ હજારથી વધુ લોકો સંક્રમિત…

Charotar Sandesh

છેલ્લો ચાન્સ : ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાની મુદ્દતમાં વધારો કરાયો : આગામી તારીખ ૭ ઓક્ટોબર કરાઈ

Charotar Sandesh