Charotar Sandesh
ગુજરાત

રાજ્ય સરકારે માસ્ક ન પહેરતા લોકો પાસેથી ૧૧૪ કરોડનો અધધ….દંડ વસૂલ્યો…

ફક્ત અમદાવાદમાં જ ૩૦ કરોડ દંડ વસૂલાયો…

રાજકોટ મહાનગરપાલિકા હોવા છતાંય તેના કરતાં વધારે દંડ મહેસાણા, ખેડા, ભાવનગર અને કચ્છમાં વસૂલવામાં આવ્યો હોવાની સરકારની કબૂલાત…

ગાંધીનગર : માસ્ક ના પહેરનારા પાસેથી ૧,૦૦૦ રુપિયા દંડ લેવાના મુદ્દે હવે રાજકીય ઘમાસાણ શરુ થયું છે. હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં કોંગ્રેસ દ્વારા કયા શહેરમાં કેટલા લોકો પાસેથી દંડ વસૂલાયો તેની માહિતી માગવામાં આવી હતી. જેના જવાબમાં સરકારે રજૂ કરેલા આંકડામાં સૌથી વધુ દંડ અમદાવાદ અને સુરતમાં ઉઘરાવાયો છે. જોકે, આશ્ચર્યજનક રીતે રાજકોટનો નંબર આ લિસ્ટમાં છેક આઠમા સ્થાને છે. રાજકોટમાં કુલ જેટલો દંડ વસૂલાયો છે, તેના કરતાં તો તેનાથી ઓછી વસ્તી ધરાવતા ખેડા, મહેસાણા, ભાવનગર અને કચ્છમાં વધુ દંડની વસૂલાત કરાઈ છે.
સરકારે આજે કયા જિલ્લામાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં કેટલો દંડ વસૂલવામાં આવ્યો તેના આંકડા વિધાનસભામાં રજૂ કર્યા હતા. જે અનુસાર, અમદાવાદમાં ૫,૦૪,૨૮૨ લોકો પાસેથી દંડ પેટે કુલ ૩૦ કરોડ, સાત લાખ, ૩૨ હજાર ૮૪૦ રુપિયાનો દંડ વસૂલાયો હતો. જ્યારે બીજા ક્રમે સુરત આવે છે, જ્યાં અમદાવાદથી અડધાથી પણ ઓછા ૨,૩૭,૧૧૬ લોકો પાસેથી દંડ પેટે ૧૧ કરોડ, ૮૮ લાખ, બે હજાર ૧૦૦ રુપિયા દંડ પેટે વસૂલવામાં આવ્યા હતા.
નવાઈની વાત એ છે કે, રાજ્યના વડોદરા, રાજકોટ જેવા મહાનગરો કરતાં ખેડામાંથી વધુ લોકો પાસેથી માસ્ક ના પહેરવા બદલ દંડ વસૂલવામાં આવ્યો છે. સરકારી આંકડા અનુસાર, ખેડામાં ૧,૫૧,૦૭૭ લોકો પાસેથી દંડ પેટે ૮ કરોડ ૭૮ લાખ ૫૯ હજાર ૬૦૦ રુપિયા વસૂલવામાં આવ્યા હતા. જ્યારે વડોદરામાં ૧,૩૭,૯૭૮ લોકો પાસેથી ૯ કરોડ, ૬૬ લાખ, ૬૩ હજાર ૩૦૦ રુપિયાનો દંડ વસૂલાયો હતો.
વડોદરા પછીના ક્રમે મહેસાણા, ભાવનગર અને કચ્છ આવે છે, જ્યાંથી અનુક્રમે ૯૪,૯૮૯, ૯૦,૬૫૬ અને ૮૮,૩૦૬ લોકો પાસેથી દંડ પેટે અનુક્રમે રુ. ૫,૦૫,૪૫,૨૦૦, ૪,૨૪,૪૩,૨૦૦ અને ૩,૩૦,૪૮,૩૦૦ રુપિયા વસૂલવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં છેક આઠમા નંબરે રહેલા રાજકોટમાં માત્ર ૮૦,૩૦૬ લોકો પાસેથી માસ્ક ના પહેરવા બદલ દંડ વસૂલવામાં આવ્યો હોવાનું સરકારે જણાવ્યું છે. આ લોકો પાસેથી ઉઘરાવાયેલા દંડની રકમ ૨,૭૯,૯૧,૬૦૦ રુપિયા જેટલી થવા જાય છે.
રાજ્યના ૩૩ જિલ્લામાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં કુલ ૨૩ લાખ, ૩૧ હજાર, ૦૬૮ લોકો પાસેથી માસ્ક ના પહેરવા બદલ દંડ પેટે ૧૧૪ કરોડ, ૧૨ લાખ, ૭૯ હજાર, ૭૮૦ રુપિયા વસૂલવામાં આવ્યા હતા.

Related posts

જીવાદોરી નર્મદા ડેમ છલોછલ થઈ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નીરના વધામણાં કર્યા, જુઓ તસ્વીરો

Charotar Sandesh

અયોધ્યા રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના આ ૭ સંતોને પૂજા માટે આમંત્રણ…

Charotar Sandesh

વાયું વાવાઝોડાની સ્પીડ અને આપણી સ્પીડ વચ્ચેની આ લડાઇ છે : મુખ્યમંત્રી રૂપાણી

Charotar Sandesh