આણંદ જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલે તા.૮ થી ૧૪ એપ્રિલ સુધી તમામ સુચનાઓનું કડકાઇથી અમલ કરવા જણાવવામાં આવ્યું છે…
એ.પી.એમ.સી. આણંદ દ્વારા આણંદના તમામ વિસ્તારોમાં ટેમ્પો / ટ્રેક્ટર દ્વારા સવારના ૧૦.૦૦ કલાક દરમ્યાન શાકભાજી / ફળ-ફળાદીનું વિતરણ કરવામાં આવે તેના માટે વ્યવસ્થા કરવાની રહેશે…
આણંદ : નોવેલ કોરોના વાયરસ COVID-19ની અસરને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક હીસીઝ એક્ટ-૧૮૯૭ અનવ્યે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ક્રમાંક એનસીવી-૧૦૨૦૨૦-એસ.એફ.એસ ૧ તા. ૧૩-૩-૨૦૨૦ ના જાહરનામાંથી રાજ્યમાં ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન ૨૦૨૦ લાગુ કરવામાં આવેલ છે.
જે અનુસંધાને હાલની પરિસ્થિતિમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ના ઝડપી સ્થાનિક સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની અવર જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સમગ્ર આણંદ જિલ્લામાં (નગરપાલિકા વિસ્તાર સહિત) કેટલાંક નિયંત્રણો મુકવા તેમજ અગાઉ પ્રસિધ્ધ થયેલા જાહેરનામાં કેટલાક ફેરફાર સાથે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.સી.ઠાકોરે આણંદ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૭૯૩ ની કલમ ૧૪૪ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ તથા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ હેઠળ જાહેરનામુ બહાર પાડ્યું છે.
તદનુસાર ૧૪મી એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન અમુલ પાર્લર/દુધ પાર્લર/ અમુલ ડેરીનું આઉટલેટ પાર્લર / શાકભાજી વિતરણની દુકાનો / લારીઓ / કરિયાણાની દુકાનો પર સવારના ૧૦-૦૦ કલાક સુધી જ શાકભાજી, દુધ, અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વિતરણ કરવાની રહેશે. તે સિવાયના સમયગાળા દરમ્યાન ઉક્ત વિતરણ વ્યવસ્થા સદંતર બંધ રહેશે. શહેરની સોસાયટીમાં ફરતા ફેરીયા / લારીઓને સવારના ૧૦-૦૦ કલાક સુધી જ શાકભાજી,દુધ, અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વિતરણ કરવાની રહેશે.
આણંદ ટાઉન પોલીસ સ્ટેશન સામે આવેલ મોટી શાક માર્કેટ, ફ્રુટ માર્કેટ અને જુના દાદર પાસે આવેલ ફ્રુટ માર્કેટ, ગુજરાતી ચોક પાસે આવેલ ફ્રુટ માર્કેટ / શાક માર્કેટ સદંતર બંધ રહેશે. તેના શાકભાજી-ફ્રુટ વિક્રેતાઓ વૈક્લિપક વ્યવસ્થારૂપે શાસ્ત્રી મેદાન, ગુરુદ્વારા રોડ, આણંદ ખાતે સવારના ૧૦.૦૦ કલાક સુધી જ સોશીયલ ડિસ્ટન્સીંગ (ઓછામાં ઓછુ પાંચ ફુટનું અંતર) જળવાય તે મુજબ દુર-દુર બેસી વેચાણ કરી શકશે. તમામ વેપારીઓએ મોઢુ ઢાંકવાનું રહેશે તથા સાવચેતીના તમામ પગલા ભરવાના રહેશે. પોલીસતંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.
તદઉપરાંત જિલ્લામાં આવેલ તમામ શાક માર્કેટ તથા ફ્રુટ માર્કેટ ખાતે સવારના ૧૦.૦૦ કલાક સુધી જ સોશીયલ ડિસ્ટન્સીંગ(ઓછામાં ઓછું પાંચ ફુટનું અંતર જળવાય તે મુજબ દુર-દુર બેસી વેચાણ કરી શકશે. તમામ વેપારીઓએ મોઢુ ઢાંકવાનું રહેશે તથા સાવચેતીના તમામ પગલા ભરવાના રહેશે. પોલીસતંત્ર દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.
જિલ્લાની તમામ હોલસેલ / છુટક કરીયાણાના વેપારીઓએ તારીખ ૧૪મી એપ્રિલ સુધી હોમ ડીલીવરીની સેવા સદંયતર બંધ રાખવાની રહેશે.
જિલ્લામાં આવેલા તમામ નર્સિંગ હોમ / હોસ્પિટલોમાં આવેલા મેડીકલ સ્ટોર ખુલ્લા રહેશે. આણંદ જિલ્લામાં આવેલ ૨૪ કલાક ચાલુ રહેતા દવાના સ્ટોર્સ ખુલ્લા રહેશે.
એ.પી.એમ.સી. આણંદ દ્વારા આણંદના તમામ વિસ્તારોમાં ટેમ્પો / ટ્રેક્ટર દ્વારા સવારના ૧૦.૦૦ કલાક દરમ્યાન શાકભાજી / ફળ-ફળાદીનું વિતરણ કરવામાં આવે તેના માટે વ્યવસ્થા કરવાની રહેશે.
તમામ નાગરિકોએ લોકડાઉન દરમ્યાન ફરજીયાતપણે પોતાના ઘરમાં જ રહેવાનું રહેશે ઘરની બહારના જાહેર રસ્તા પર મોર્નીંગ વોક / ઇવનીંગ વોક પણ કરી શકશે નહી.
ઉપરોક્ત જણાવ્યા મુજબના અમુલ પાર્લર / દુધ પાર્લર / અમુલ ડેરીનું આઉટલેટ પાર્લર / શાકભાજી વિતરણની દુકાનો / લારીઓના માલિક તેમજ કર્મચારીઓએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલ પાસનો ઉપયોગ બિનચૂક કરવાનો રહેશે. આ પાસનો ઉપયોગ સવારના ૧૦.૦૦ કલાક સુધી જ માન્ય રહેશે.તે સિવાયના તમામ પાસ રદ કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવો તે આ જાહેરનામાનો ભંગ કર્યો ગણાશે.
સ્વૈચ્છિક સંસ્થાઓને ટીફીન સેવા તેમજ અનાજ કે કીટ વિતરણ કવા માટે આપવામાં આવેલ પાસ પણ આ સૂચનાથી રદ કરવામાં આવે છે. ફક્ત ભિક્ષુક ગૃહ / શેલ્ટર હોમ, એકલા રહેતા સીનીયર સીટીઝન માટેની ટીફીન સેવાને તેમાંથી મુક્તિ આપવામાં આવે છે.
આણંદ જિલ્લાના ડૉક્ટર / પેરા મેડિકલ સ્ટાફ અને લેબ ટેસ્ટીંગ સાથે સંકળાયેલ સ્ટાફ, મીડીયા કર્મી તથા સરકારી કચેરીઓમાં આઉટસોર્સથી સેવા આપનાર એજન્સીઓ / કર્મચારી તમામને ઇસ્યુ કરવામાં આવેલ મુક્તિપાસ માન્ય રહેશે.
સવારના કલાક પછી કોઇપણ નાગરિક આક્મિક સંજોગો / ઇમરજન્સી હોસ્પિટલ સેવાઓ સિવાય ઘરની બહાર નીકળી શકશે નહી. આક્સમિક સંજોગોમાં સંબંધિત પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની પરવાનગી મેળવવાની રહેશે.
શાકભાજી માર્કેટમાં ખેડૂતો દરરોજ પોતાની ખેત પેદાશો / શાકભાજીનું આણંદ માર્કેટમાં એ.પી.એમ.સી. ના સમય મુજબ વેચાણ કરી શકશે. ખેડૂતો દુધ મંડળીમાં પોતાના સમય મુજબ દુધ ભરી શકશે.
બેંક / પોસ્ટ / તમામ સરકારી કર્મચારીઓ તેમના ઓળખકાર્ડ અથવા અત્રેથી આપવામાં આવેલ પાસ સાથે રાખી તેઓની કચેરી / ફરજના સ્થળે જઇ શકશે, આવા કર્મચારીઓને કોઇ અગવડ પડે નહી તેની સંપૂર્ણ તકેદારી પોલીસ કર્મચારીઓ દ્વારા રાખવાની રહેશે.
કલેક્ટર શ્રી આર.જી. ગોહિલે આણંદ જિલ્લામાં અત્યાર સુધીના લોકડાઉનના ગાળામાં જાહેર જનતાનો સહકાર ખૂબ જ સરસ મળ્યો છે. મીડિયા કર્મીઓ, પોલીસ કર્મીઓ, આરોગ્ય સેવા કર્મીની સેવાઓને આવકારી આભાર ભાવ પ્રગટ કર્યો હતો.
અત્રેથી લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવેલ ઓધૌગિક એકમના કર્મચારીઓ જેઓને મુક્તિપાસ આપવામાં આવેલ હોય તેઓ ઘરેથી વ્યવસાય તથા વ્યવસાયના સ્થળેથી ઘરે જઇ શકશે.
સરકારી / અર્ધસરકારી કચેરીઓમાં પાણીની સેવાઓ પુરી પાડનાર વિક્રેતાઓ સવારના ૧૦.૦૦ કલાક સુધી જ પાણીની સેવાઓ પુરી પાડી શકશે અને તેઓને આપવામાં આવેલ પાસ આ સમય દરમિયાન જ માન્ય ગણાશે.
પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના વિક્રેતાઓ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ વખતોવખતની સુચનાઓ મુજબ અનાજનું વિતરણ ચાલુ રાખી શકશે. અને તેઓને આપવામાં આવેલ પાસ માન્ય ગણાશે.
આ સમય દરમિયાન કેન્દ્ર / રાજ્ય સરકારની વખતોવખતની તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામું આણંદ જિલ્લામાં (નગરપાલિકા વિસ્તાર સહિત) ૧૪મી એપ્રિલ ૨૦૨૦ સુધી લાગુ રહેશે. સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ શ્રી સ્થાનિક પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાને લઇ તેઓની હકુમત હેઠળના વિસ્તારમાં વ્યાજબી જણાય તેવી જોગવાઇઓમાં ફેરફાર કરી શકશે.
આ હુકમ અનવ્યે જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પાંચ વર્ષથી વધુ સેવામાં હોય તેવા પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે
આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.સી. ઠાકોરે જણાવ્યુ છે.