મુંબઈ : બોલિવૂડ એક્ટર અજય દેવગણ તેના અભિનયની સાથે સાથે તેમના સામાજિક કાર્ય માટે પણ જાણીતો છે. ગયા વર્ષે કોરોના વાયરસને કારણે અજયે દેશમાં લોકડાઉન દરમિયાન લોકોને ઘણી મદદ કરી હતી. હવે ફરી એકવાર તે બાળકોની મદદ માટે આગળ આવ્યો છે. એક બાળકને કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી નામની દુર્લભ બિમારી છે. આ રોગની સારવાર ખૂબ મોંઘી છે.
આ બાળકની સારવાર માટે આશરે ૧૬ કરોડ રૂપિયાની જરૂર છે. આવી સ્થિતિમાં અજય દેવગણે લોકોને તેના સત્તાવાર ટિ્વટર એકાઉન્ટ દ્વારા બાળકની સારવારમાં મદદ કરવા અપીલ કરી છે. અજયે લખ્યું, તે કરોડરજ્જુના સ્નાયુબદ્ધ એટ્રોફીથી પીડાય છે અને તેને વિશ્વની સૌથી મોંઘી દવાની જરૂર છે. તેની સારવારમાં લગભગ ૧૬ કરોડનો ખર્ચ થશે. તમારું દાન તેમને મદદ કરી શકે છે. હું કોમેન્ટ બોક્સમાં ડોનેશન લિંક શેર કરું છું.
અજયના આ ટિ્વટ પછી ઘણા લોકોએ આયંશ ગુપ્તા નામના આ બાળકની સારવાર કરવામાં મદદ કરી છે. લોકો બાળકને મદદ કરવા માટે ટિ્વટન રિટિ્વટ પણ કરી રહ્યા છે અને સાથે સાથે શેર પણ કરી રહ્યાં છે. અજયના ચાહકોની સાથે અન્ય યુઝર્સ પણ તેમને રિસ્પોન્સ આપી રહ્યા છે.
અજય દેવગણની સાથે સારા અલી ખાને પણ આ બાળકની મદદ માટે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, ‘આયંશને વિશ્વની સૌથી મોંઘી દવાની જરૂર છે, તમે તેની છેલ્લી આશા છો. સારા અલી ખાને જે તસવીર શેર કરી છે. તે જોઇ શકાય છે કે અત્યાર સુધીમાં ૧૬ કરોડમાંથી ૪ કરોડ જમા થઈ ગયા છે. જે બાદ વધુ પૈસાની માંગ ચાલુ છે.