અમદાવાદ : અમદાવાદીઓ ટ્રાફિકના નિયમો તોડવામાં અવ્વલ છે. આ વાક્યને અમદાવાદના ટ્રાફિક વિભાગના આંકડા સાચા સાબિત કરે છે. ક્યાંક મોજશોખમાં, તો ક્યાંક જલ્દી પહોંચવાની લાય, તો ક્યાંક કાયદાનો ડર ના હોવાના કારણે અવરનવાર ટ્રાફિકના નિયમોને લોકો તોડતા હોય છે.
કોરોનાકાળ બાદ મોંઘવારીમાં પણ વધારો થયો છે. અમદાવાદીઓએ રાત્રી કરફ્યું અને આરટીઓના નિયમ તોડવા બદલ ૧ કરોડ ૩૦ લાખથી વધુનો દંડ ભર્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હાલ નોકરી ધંધા બંધ છે, તેમ છતાં શહેરીજનો તોંતીગ દંડ ભર્યો છે. એક આંકડા પ્રમાણે અમદાવાદ આરટીઓમાં છેલ્લા ચાર મહિનામાં ૭ હજાર ૬૫૯ કેસ નોંધાયા છે. જેનો ૧ કરોડ ૩૦ લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
જાન્યુઆરી ૨૦૨૧માં ૩ હજાર ૮૦૩ કેસ નોંધાયા હતા. જેની સામે રૂપિયા ૬૫ લાખ ૬૫ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી માસમાં ૧ હજાર ૬૬૨ કેસ નોંધાયા હતા. જેની સામે રૂપિયા ૨૮ લાખ ૩૧ હજારનો દંડ વસુલ્યો હતો. તો માર્ચ મહિનામાં કુલ ૧ હજાર ૭૫૨ કેસ થયા હતા..જેની સામે આરટીઓએ રૂપિયા ૩૧ લાખ ૯૫ હજાર જેટલો દંડ વસુલ્યો હતો. એપ્રિલ મહિનામાં કુલ ૪૪૨ કેસ નોંધાયા હતા, જેની સામે ૬ લાખ ૩૦ હજાર રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી હતી.
એક અંદાજ પ્રમાણે દરરોજ ૫ હજાર લોકોને ટ્રાફિકના નિયમો તોડવા બદલ દંડ ફટકારવામાં આવે છે. તેમાં સૌથી વધુ લોકો હેલ્મેટ ના પહેરવા બદલ દંડાય છે. માહિતી મુજબ શહેરમાં વધી રહેલા ટ્રાફિક અને વાહનોની સંખ્યાને જોતા રોડ પર ટ્રાફિક ભંગના હજારો કિસ્સાઓ બનતા હોય છે. એક રિપોર્ટ મુજબ ટ્રાફિક વાયોલેશનની ૩૪ પ્રકારની કેટેગરીમાં સૌથી વધુ હેલ્મેટ ના પહેરવા બદલ, ગેરકાયદેસર પાર્કિંગ, સીટ બેલ્ટ ના પહેરવાના કેસોનો સમાવેશ થાય છે. ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ લોકોને ભારે દંડ ફટકારવામાં આવે છે. તેમ છતાં આ આંકડો સતત વધી રહ્યો છે.